Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

પ્રેમમાં પાગલ યુવકે પરિણીત યુવતીને છરીના ઘા ઝીંકી દીધા

અમદાવાદના વટવા વિસ્તારનો બનાવ : આ મામલે પોલીસે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાઈ

અમદાવાદ,તા. : પ્રેમમાં પાગલ લોકો ક્યારેક ભરવાનું પગલું ભરી લેતા હોય છે. આવો એક બનાવ શહેરના વટવા જીઆઈડીસી વિસ્તારમાં નોંધાયો છે. અહીં એક યુવતીએ બીજા યુવક સાથે લગ્ન કરી લેતા યુવકે એક વર્ષ બાદ તેનો બદલો લીધો હતો અને યુવતી પર છરીથી જીવલેણ હુમલો કરી દીધો હતો. યુવકે યુવતીને છરીના અનેક ઘા ઝીંકી દીધા હતા. મામલે પોલીસે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે. જ્યારે યુવતીને સારવાર માટે હૉસ્પિટલમં ખસેડવામાં આવી છે. વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ પોલીસ ફરિયાદ આપી છે કે, બે મહિનાથી તેણી ડિલિવરી માટે તેના પિયર દુર્ગાનગરમાં આવી છે. ૧૫ દિવસ પહેલા તેણીએ બાળકીને જન્મ આપ્યો છે. ફરિયાદી યુવતીના લગ્નના એકાદ વર્ષ પહેલા તેના ઘરની નજીકમાં રહેતો મુકેશ રાઠોડ તેણીને અવારનવાર લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. જોકે, યુવતીના માતાપિતાએ યુવતીના લગ્ન બીજા યુવક સાથે કરાવી દીધા હતા. બુધવારે યુવતી અને તેનો ભાઈ ઘરે હતા ત્યારે આરોપી મુકેશ ત્યાં આવ્યો હતો અને યુવતીને કહેવા લાગ્યો હતો કે, તે મારી સાથે લગ્ન નથી કર્યા, તું મારી નથી થઈ તો તને કોઈની નહીં થવા દઉં.

આમ કહીને યુવકે યુવતીને ગળાના ભાગે છરીના ત્રણ ઘા મારી દીધા હતા. યુવક કહેવા લાગ્યો હતો કે, તને તો જાનથી મારી નાખીશ, મારી નાખવા માટે આવ્યો છું. જોકે, યુવતીએ બચાવ માટે હાથ વચ્ચે લાવતા હાથ પર પણ છરી વાગી હતી. યુવતી અને તેના ભાઈએ બૂમાબૂમ કરતા આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકોને જાણ થતાં બધા એકઠા થઇ ગયા હતા અને યુવતીને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવતીની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરીછે.

(7:55 pm IST)