Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ગુજરાત હાઇકોર્ટમાં ખુલાસો

અમદાવાદમાં ૯૦૦ હોસ્પિટલો પાસે ફાયર NOC જ નથી

શ્રેય હોસ્પિટલની NOC એપ્રિલ મહિનામાં જ પૂર્ણ થઈ ગઈ હોવાનું સામે આવ્યું: ૪૫૦ હોટલ-રેસ્ટોરન્ટ્સ અને ૧૮૫ જેટલા ટયુશન કલાસીસ પાસે પણ જરૂરી ફાયર NOC ન હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ

અમદાવાદ, તા.૧: અમદાવાદમાં ૨૨૦૦ હોસ્પિટલોમાંથી ૯૦૦ હોસ્પિટલો પાસે ફાયર NOC જ નથી તેવો ગુજરાત હાઈકોર્ટમાં દ્યટસ્ફોટ થયો છે. નવરંગપુરાની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં ૮ કોરોનાના દર્દીઓના મોત મુદ્દે જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. અરજીમાં ફાયર વિભાગે સોંગદનામું કર્યું છે કે, અમદાવાદમાં ૨૨૦૦ હોસ્પિટલ્સ અને કિલનિકસમાંથી ફકત ૧૩૦૦ પાસે જ ફાયર NOC છે. ફાયર વિભાગેસોંગદનામાં એ પણ જણાવ્યું કે, શ્રેય હોસ્પિટલની ફાયર NOC એપ્રિલ મહિનામાં જ પૂર્ણ થઈ હતી.

બુધવારે કેસની સુનાવણી દરમિયાન અમદાવાદ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુરે સોંગદનામું રજૂ કરીને જણાવ્યું કે અમદાવાદમાં ૧૨૦૦ હોટલ રેસ્ટોરન્ટ્સ પૈકી ૪૫૦ પાસે ફાયર NOC નથી. આ ઉપરાંત ૨૩૮૫ ટ્યૂશન કલાસીસ પૈકી ૧૮૫ પાસે ફાયર NOC નથી. જયારે શહેરની મોટા ભાગની તમામ ૧૨૦૦ ખાનગી-સરકારી શાળા-કોલેજો, ૬૦ મોલ -મલ્ટિપ્લેકસ, ૩૦૦ ફટાકડાની દુકાનો અને ઉત્પાદન એકમો, ૮૦ પેટ્રોલ પમ્પ, ૫૦ હંગામી પંડાલો ડોડે ફાયર માટેની જરૂરી ફબ્ઘ્ છે.

હાલ કોરોનાના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તરફથી ફાયર સેફ્ટીના મુદ્દે ઈમારતો સામે કાર્યવાહી ટાળવામાં આવી છે. પરંતુ હવે તમામ એકમોને નોટિસ પાઠવવામાં આવશે. સોંગદનામામાં જણાવ્યું છે કે, ઓગસ્ટ પછીથી તમામ હોસ્પિટલો અને કિલનિકસને AMC તરફથી જરૂર ફાયર એનઓસી લેવા માટેની તાકીદ કરવામાં આવશે અને અન્ય તમામ ઈમારતોને પણ NOC મુદ્દે નોટિસો આપવામાં આવશે.

ચીફ ફાયર ઓફિસર તરફથી રજૂ કરવામાં આવેલા ડોકયુમેન્ટ્સમાં જણાવાયું છે કે, શ્રેય હોસ્પિટલને ૨૦૧૯માં સીડીમાં વેન્ટિલેશન લગાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ફાયર એનઓસી પણ એપ્રિલ ૨૦૨૦માં પૂર્ણ થઈ ગઈ ત્યારબાદ રિન્યુઅલ માટે કોઈ અરજી કરવામાં આવી નથી. બીજી તરફ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં વધુ તપાસ માટે એક નવી રિટ કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ મુજબ શ્રેય હોસ્પિટલ મુદ્દે એડવોકેટ અમિત પંચાલે કરેલી મુખ્ય અરજીમાં જોડાવવા માટે એક અન્ય અરજી પણ થઈ છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે શ્રેય હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના અભાવે દર્દીઓના કરૂણ મોત થયા છે. આ ઉપરાંત મૃતકોના પરિવારજનોને સાંભળવાની રજૂઆત કરવામાં આવી છે.

(12:49 pm IST)