Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

એસીબીને વધુ બે કાનૂની જંગમાં જવલંત સફળતા

ટૂંકા ગાળામાં ભયંકર ભ્રષ્ટાચાર આચરનારાઓને જામીન મળશે તો ભ્રષ્ટ અધિકારીઓ-સ્ટાફને કાયદાની બીક નહિ રહે : ભાવનગરના તત્કાલીન એન્જીનીયર વસંતભાઇ ચૌહાણ તથા મહિલા તલાટી મંત્રી દિપાલીબેન પટેલની જામીન અરજી ફગાવાઇ : કેશવકુમાર : તથા ભુજ એસીબીના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલ ટીમની જહેમત ફળીઃ સરકારી વકીલની ધારદાર દલીલો માન્ય

રાજકોટ, તા., ૧: લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના વડા કેશવકુમાર ટીમ દ્વારા મોટા મગરમચ્છો જેવા કટકીબાજોની સાથોસાથ સામાન્ય લોકોને જે ખાતાઓ સાથે કાયમી પનારો રહે છે તેવા સ્ટાફ દ્વારા કાયદેસરના  સાચા કામો પણ લાંચ વગર થતા ન હોય આવા તત્વો પર જબરજસ્ત ધાક બેસાડવા  તેઓને એસીબીની જાળમાં સપડાવી સંતોષ માનવાને બદલે આવા કટકીબાજોને કાયદાકીય લડતમાં સફળતા ન મળે તે માટે કાનુની જંગ ખેલવા માટે ઉભી કરાયેલી કાયદે આઝમોની ફોજને  વધુ બે કિસ્સામાં સફળતા મળી છે.

ભાવનગરવાળા હાલ ફરજ મોકુફ ડેપ્યુટી એન્જીનીયર વસંતભાઇ ચૌહાણ સામેની અપ્રમાણસર મિલ્કતની તપાસ બોર્ડર રેન્જના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ  ગોહીલના માર્ગદર્શનમાં પાટણના એસીબી પીઆઇ એચ.એસ. આચાર્ય દ્વારા હાથ ધરવામાં આવી હતી.

ઉપરોકત અધિકારીની બેનામી સંપતીની  પ્રાથમીક તપાસમાં જ ૫૩ લાખથી વધુ કિંમતની અપ્રમાણસર મિલ્કતો મળી આવતા આગળની તપાસ પાટણ એસીબીના પીઆઇ જે.પી.સોલંકીને સુપ્રત થઇ હતી. આરોપી  વસંતકુમાર ચૌહાણ દ્વારા આગોતરા જામીનની માંગણી થઇ હતી. જે એસીબી તરફથી સરકારી વકીલ શ્રી સી.સી.રાજપુત દ્વારા ધારદાર દલીલો કરી આરોપીએ ટંુકા ગાળામાં ભયંકર પ્રકારનો ભ્રષ્ટાચારનો બીજો ગુન્હો આરોપીએ આચરેલ હોય જામીન આપવામાં આવે તો ભ્રષ્ટ સરકારી અધિકારીઓ/ કર્મચારીઓની કાયદાનો ડર રહેશે નહી. જે દલીલ માન્ય રાખી આગોતરા જામીન નામંજુર થયા હતા.

આજ રીતે પાટણ પંથકના ભુતીયા વાસણા ગ્રામ પંચાયતના આરોપી મહિલા તલાટી મંત્રી  દિપાલીબેન પટેલ દ્વારા ગરીબ લાભાર્થીઓ પાસેથી સરકારી યોજનાની રકમ આપવા માટે એક લાભાર્થી દીઠ રૂ. ૩૦૦૦ મળી કુલ ૧૭ લાભાર્થી પાસે પ૧ હજારની લાંચનો આરોપ હતો.

એસીબી છટકામાં ઝડપાયેલા ઉકત મહિલા તલાટી મંત્રી દ્વારા પાટણ સેસન્સ કોર્ટમાં થયેલી જામીન અરજી પણ એસીબી  વડા કેશવકુમાર તથા મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલે કાયદાના તજજ્ઞો સાથે રહી કરેલી દલીલો સંદર્ભે નામંજુર થઇ છે.

(12:02 pm IST)