Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

રાજ્યમાં પાંચ લાખથી વધુ મહિલાઓ એકસાથે હેન્ડ વોશ કરીને ગાંધી જયંતિની ઉજવણી કરશે

વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સંકલ્પને સાકાર કરાશે

ગાંધીનગરઃ ગાંધી જયંતિની ઉજવણી બાબતે મહિલા અને બાળવિકાસ પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન  મોદીના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકારે ગાંધીજીના જન્મ દિન નિમિત્તે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસે ગુજરાતની પાંચ લાખથી વધુ મહિલાઓ એકસાથે હેન્ડ વોશનો પ્રયોગ કરીને સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરશે.

રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બીજી ઓક્ટોબરના દિવસે પાંચ લાખથી વધુ બહેનોને એકસાથે હેન્ડ વોશ કરવાની નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આંગણવાડી કચેરી અને બ્લોક ઓફિસના નવનિર્મિત ભવનનું લોકાર્પણ તથા ભૂમિપૂજન પણ કરશે.

વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, આંગણવાડી કેન્દ્રો ખાતે તેડાગર બહેનો તથા આંગણવાડી કાર્યકરોની શ્રેષ્ઠ કામગીરી માટે વડાપ્રધાન મોદીએ માતા યશોદા એવોર્ડની જાહેરાત કરી હતી. જે પ્રતિવર્ષ આપવામાં આવે છે જેના ભાગરૂપે જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ પણ બીજી ઓક્ટોબરના દિવસે જ કરવામાં આવશે.

એકસાથે પાંચ લાખ જેટલી મહિલા હેન્ડવોશ કરશે તે એક વર્લ્ડ રેકોર્ડ પણ કાયમી થશે. બીજી ઓક્ટોબરની ઉજવણી સમગ્ર ગુજરાતમાં જિલ્લાકક્ષાએ કરવામાં આવશે જ્યારે રાજ્યકક્ષાની ગાંધી જયંતિની જન્મ જયંતિ ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવશે.

(11:58 am IST)