Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

સમાજ અને કેદીઓ વચ્ચેની ખાઇ દૂર કરવા હેતુથી પુસ્તક બહાર પડાયું: રાજયની જેલોના વડા ડો. કે.એલ.એન. રાવ

ગુજરાતની જેલોના ઇતિહાસ અને વર્તમાનની રોમાંચક અને દુલર્ભ ગાથા તેમ જ કેદી સુધારણા પ્રવુત્તિઓના આલેખન કરતાં પુસ્તક

અમદાવાદ : ગુજરાતની જેલોના વડા ડો. કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, સમાજમાં જેલ પ્રસાશન તથા કેદીઓ અંગેની ખોટી માન્યતાને દૂર કરવાની સાથોસાથ સમાજ અને કેદીઓ વચ્ચેની ખાઇ દૂર કરવાના હેતુથી જેલ ઓથોરિટી દ્વારા પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. આ પુસ્તકમાં આઝાદી પહેલાંની ગુજરાતની ઘણી જેલોની વાત લોકો સમક્ષ મૂકવાનો વિચાર આવ્યો હતો. તેને અમલમાં મૂક્યો છે. હવે ગુજરાતી પુસ્તકનું અનુવાદ કરીને અંગ્રેજી પુસ્તક ટૂંક સમયમાં બજારમાં મૂકવામાં આવશે. 200 રૂપિયાની કિંમત ધરાવતું આ પુસ્તક હાલ જેલ ભવન તેમ જ જેલ તાલીમ શાળામાંથી ઉપલબ્ધ બનશે. ટૂંક સમયમાં અન્ય એજન્સીઓને વેચાણ માટે આપવામાં આવશે.

ગુજરાતની જેલોના ઇતિહાસ અને વર્તમાનની રોમાંચક અને દુલર્ભ ગાથા તેમ જ કેદી સુધારણા પ્રવુત્તિઓના આલેખન કરતાં પુસ્તકનું 31મી ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુહ રાજયમંત્રી પ્રદિપસિંહ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ અંગેની વિગતો પત્રકારોને જણાવતાં રાજયની જેલોના વડા અધિક પોલીસ મહાનિર્દેશક ડો. કે. એલ.એન. રાવે જણાવ્યું હતું કે, જેલમાં કેદીઓને કેવી રીતે રાખવામાં આવે છે. તેમની દિનચર્યા કેવી હોય છે વગેરે બાબતોને આ પુસ્તકમાં આવરી લેવામાં આવી છે. જેલોની બેઝીક માહિતી જેવી કે ગુજરાતમાં કેટલી જેલો છે, મધ્યસ્થ, ડીસ્ટ્રીકટ તથા તાલુકા જેલ કોને કહેવાય છે, તેમજ તે જેલોમાં કયા કેદીઓને રાખવામાં આવે છે તે અંગે કેદીઓનું વર્ગીકરણ કેવી રીતે થાય છે, કાચા-પાકા કામના કેદી કોને કહેવાય છે. વગેરે માહિતી છે. જે લોકો સુધી પહોંચતી નથી કેમ કે આ પ્રકારનું કોઇ દસ્તાવેજ ઉપલબ્ધ નથી.

તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદની મધ્યસ્થ જેલમાં મહાનુભાવો મહાત્મા ગાંધીજી, કસ્તુરબા, સરદાર વલ્લભભાઇ પટેલ, ઝવેરચંદ મેઘાણી સહિતના અનેક મહાનુભાવોએ જેલમાં રહ્યાં હતા. તેમણે આ જેલમાંથી લોકોને પ્રોત્સાહિત કરવાની સાથે લખાણ લખવા સહિતની અનેક પ્રવૂત્તિઓ કરી હતી. તે તેમ જ જેલોમાં ટેકનોલોજીકલ આધુનિકરણ માટે શું કરવાના છે વગેરે વિગતો દર્શાવવામાં આવી છે. આ પુસ્તકમાં 45 વિષયો અંગેની માહીતી આપવામાં આવી છે.

પુસ્તક બહાર પાડવા અંગેનો વિચાર કેવી રીતે આવ્યો તેનો જવાબ આપતાં ડો. કે.એલ. એન. રાવે કહ્યું કે, ગુજરાતની જેલોમાં સંશોધન કર્યું ત્યારે ગુજરાતની જેલોનો ઇતિહાસ ધરાવતો પુસ્તક સ્વરૂપમાં કોઇ દસ્તાવેજ ન હતો. ગુજરાતની ઐતિહાસિક જેલો જેવી કે અમદાવાદ, જૂનાગઢ, જામનગર, ગોંડલ તેમ જ વડોદરાની જેલો છે. જે આઝાદી પૂર્વેની છે. તેને પ્રજા સમક્ષ મૂકવાનો વિચાર આવ્યો હતો. કોરોનાના કારણે પુસ્તક તૈયાર કરવામાં થોડો વિલંબ થયો છે. પરંતુ આ પુસ્તક તૈયાર કરવામાં જેલના અધિકારીઓથી માંડીને જેલના સિપાહીઓએ રસ દાખવવાની સાથે મહેનત કરી હતી. તે બદલ તેમને અભિનંદન પાઠવું છું.

(12:21 am IST)