Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

રખડતા ઢોર બાબતે આહવા પંચાયતની મોટી કાર્યવાહી : 90 થી વધુ પશુઓને પકડી પાંજરાપોળ મોકલી અપાયા

અવારનવાર સૂચના આપવા છતાં પશુઓના માલિકો દ્વારા ઢોરોને રસ્તે રખડતા મુકવામાં આવતા મોડીરાત્રે કાર્યવાહી

ડાંગ જિલ્લાના આહવા નગરના જાહેર રસ્તાઓ ઉપર રખડતા ઢોરો ને લઈને લોકોને પડતી હાલાકીનો નિકાલ કરવા આહવા ગ્રામ પંચાયત ના સરપંચ હરિરામ રતીલાલભાઈ સાંવત અને તેમની ટીમ તથા જીઆરડી ના માણસો ને સાથે રાખી મોડી રાતે કાર્યવાહી કરવામાં આવી હતી. ગામમાં રસ્તે રખડતા ઢોરોને પાંજરાપોળ માં પુરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આહવામાં રખડતા ઢોરોના ત્રાસથી રાહદારીઓને અવર જવરમાં તકલીફ થતી હોવાની અનેક ફરિયાદ ઉઠી હતી. જેમાં વાહનોના અકસ્માતના ભય સાથે મૂંગા પશુઓને પણ ઇજા થવાનો ભય હોવાનું કહેવામાં આવ્યુ હતુ. જેને લઈને આ રખડતા ઢોરોના માલિકોને પંચાયત દ્વારા પોતાના ઢોરોને જાહેર રસ્તાઓ પરથી લઈ જવા અને પોતાના ઘર કે ગોઠામાં બાંધી તેમની સંભાળ કરવા સાથે રસ્તાઓ ઉપર રખડતા ન મુકવા અંગે સૂચના આપવામાં આવી હતી. જોકે અવારનવાર સૂચના આપવા છતાં પશુઓના માલિકો દ્વારા ઢોરોને રસ્તે રખડતા મુકવામાં આવતા હતા. જેથી આહવા પંચાયત દ્વારા અડચણ રૂપ અને સંભવિત અકસ્માત થી લોકહિત અને પશુઓની સુરક્ષા માટે મોડી રાતે 90 થી વધુ પશુઓને બિનવારસી ગણી આહવા પાંજરાપોળમાં મુકવામાં આવ્યા છે.

 

(11:51 pm IST)