Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

અમદાવાદ મનપાની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં વોર્ડ ઇન્સપેક્ટરોની સામે લાલ આંખ

જવાબદારીમાં બેદરકારી દાખવી તો કાર્યવાહી કરવાની ચીમકી: દરેક વોર્ડદીઠ દર મહિને પ્લોટની સ્થિતિ અંગેનો રિપોર્ટ આપવાની જવાબદારી વોર્ડ ઇન્સપેક્ટરને સોંપાઇ

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલી ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં વોર્ડ ઇન્સપેક્ટરોની સામે લાલ આંખ કરી જવાબદારીમાં બેદરકારી દાખવી તો કાર્યવાહી કરવાની ચીમકી અપાઈ છે. આજની કમિટીમાં શહેરના જુદા-જુદા વોર્ડમાં આવેલા રિઝર્વ પ્લોટ, રોડ ઉપરના દબાણો, ફુટપાથ ઉપરના દબાણો અને ગેરકાયદે બાંધકામોના મુદ્દા ચર્ચાયા હતા.

તમામ વોર્ડ ઇન્સપેક્ટરોને તેમના વોર્ડમાં એક કિ.મી.ના એક રોડની પસંદગી કરી અને આ પસંદગી પામેલા રોડને આદર્શ રોડ તરીકે જાહેર કરવા આદેશ કરાયો છે, આ આદર્શ રોડ ઉપર કોઇપણ પ્રકારના દબાણ કે ગેરકાયદે બાંધકામ ન થાય તે જોવાની જવાબદારી વોર્ડ ઇન્સપેક્ટરની રહેશે. શહેરના 48 વોર્ડમાં 48 આદર્શ રોડ પસંદ કરવા કહેવાયું છે.

અમદાવાદ મ્યુનિ.ની ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતુ કે,” આજે મળેલી કમિટીમાં ચાર મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે સાથે અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના દરેક વોર્ડમાં વોર્ડ ઇન્સપેક્ટર ફરજ બજાવે છે, હવે દરેક વોર્ડના ઇન્સપેક્ટરે દર મહિને તેમના વોર્ડમાં રિઝર્વ પ્લોટ અંગેની માહિતીનો રિપોર્ટ આપવો પડશે. ખુલ્લા પ્લોટ કેટલા છે અને તેની ઉપર કોઇ દબાણ નથી થયા અને જ્યાં દબાણ થયા છે તે ખુલ્લા કરવામાં આવ્યા કે નહીં તેવો રિપોર્ટ આપવો પડશે.

જો રિપોર્ટ નહીં આપે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય દરેક વોર્ડમાં એક કિ.મી.ના એક રોડની પસંદગી કરી તેને આદર્શ રોડ તરીકે અમલ કરવા આદેશ કર્યો છે. શહેરની ટીપી સ્કીમોના ડ્રાફ્ટ મંજુર થયા હોય તેમાં 18 અને 24 મીટરના રોડ ખુલ્લા કરવા માટે આદેશ કરાયો છે જેથી ટ્રાફિકનું ભારણ ઘટી શકે.

આ ઉપરાંત રોડ અને ફુટપાથના દબાણો દૂર કરવા સાંજે 6 વાગ્યા પછી પણ દબાણની ગાડીઓ દોડાવવા માટે આદેશ કર્યો છે. ફુટપાથ અને બ્રિજ નીચે સાંજ પછી થતાં દબાણો દૂર કરવા કહેવાયું છે. આ સિવાય પાર્ટ પ્લાન, ઝોનિંગ સર્ટિફિકેટ કે અન્ય ડોક્યુમેન્ટ મેળવવા માટે કરેલી અરજીનો સાત દિવસમાં નિકાલ કરવાનો આદેશ કરાયો છે. ખાસ કરીને મધ્ય ઝોનમાં પ્લીન્થ લેવલે ગેરકાયદે બાંધકામ અંગેની માહિતી મેળવી તેને અટકાવવાનું કહેવાયું છે. બે કે ત્રણ માળ બન્યા પછી જો બાંધકામ તોડવા માટે પોલીસ બંદોબસ્ત મંગાશે તો જવાબદાર વોર્ડ ઇન્સપેક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે.”

(10:50 pm IST)