Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ચીખલીના બામણવાડાના સરપંચે ગેરકાયદેસર રીતે બાવળના ઝાડો કાપીને ભ્રષ્ટાચાર આચાર્યો

સરકારી માલિકીના 70 જેટલા ઝાડ ગામના લોકો અને સભ્યોને અંધારામાં રાખી વેચી નાખ્યા : ગામના આગેવાનોની મામલતદાર સમક્ષ લેખિત રજુઆત : પગલાં લેવાની માંગ

ચીખલી તાલુકાના બામણવાડા ગામના આગેવાનો દ્વારા નીતિ નિયમો નેવે મૂકી સરકારી જમીનમાંથી સરપંચ દ્વારા ગેરકાયદેસર રીતે બાવળના ઝાડો કાપી ભ્રષ્ટાચાર આચાર્યો હોવાની મામલતદાર સમક્ષ લેખિત રજુઆત કરી પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

બામણવાડા ગામના ભાવેશભાઈ ઉપરાંત તાલુકા કોગ્રેસ પ્રમુખ શૈલેષભાઇ પટેલ સહિતના આગેવાનો દ્વારા ચીખલી મામલતદાર પ્રિયંકાબેન પટેલને કરેલ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે બામણવાડા દાદરી ફળીયા વિસ્તારમાં તળાવ નજીકના ખરાબાની સરકારની માલિકીના અંદાજીત ૭૦-નંગ જેટલા બાવળના ઝાડો ગામના લોકોનો અને સભ્યોને અંધારામાં રાખી હરાજી કર્યા વિના અંગત માણસો દ્વારા ઝાડો વેચી દઈ પંચાયત અને સરકારી તિજોરીને આર્થિક નુકશાન પહોંચાડેલ છે. ઝાડની વેલ્યુએશન નક્કી કરાયા બાદ જાહેર નોટિસ પ્રસિધ્ધ કરી જાહેર હરાજી કરવાની હોય છે. આથી સમગ્ર બાબતે તપાસ કરાવી સરપંચ તથા તલાટી કમ મંત્રી તથા તેમના મળતીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. અગાઉ ૦૧/૦૭/૨૦૨૧ ના રોજ પણ આ બાબતે રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થયેલ નથી. દંડનીય કાર્યવાહી કરવાની માંગ સાથે દિન-૭ માં કાર્યવાહી અંગેનો લેખિત જવાબ ન મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. સ્થાનિકોની રજુઆત બાદ તંત્ર દ્વારા તપાસ હાથ ધરી સરપંચ સામે પગલાં લેવાશે કે પછી ભીનું સંકેલવામાં આવશે તે જોવું રહ્યું.

(10:28 pm IST)