Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૫.૮૪ ટકા નોંધાયો

રાજ્યના ૭૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ : પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૨.૪૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૦.૬૭ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૫૫.૪૭ ટકા જેટલો વરસાદ

ગાંધીનગર,તા.૧ : રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ૩૯૯ મી.મી. એટલે કે ૧૬ ઇંચ જેટલો, વાપીમાં ૨૦૦ મી.મી. એટલે કે આઠ ઈંચ, માંગરોળમાં ૧૨૯ મી.મી. એટલે કે પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૨૧ને સવારે ૬.૦૦ કલાક સુધીમાં વિસાવદર તાલુકામાં ૯૬ મી.મી., વઘઈમાં ૯૦ મી.મી., ડેડિયાપાડામાં ૮૮ મી.મી., ધ્રોલમાં ૮૬ મી.મી., કઠલાલમાં ૮૩ મી.મી., મેંદરડામાં ૮૧ મી.મી., કપરાડામાં ૭૯ મી.મી., વડગામ, નડિયાદમાં ૭૬ મી.મી. અને બગસરામાં ૭૫ મી.મી. મળી કુલ ૧૦ તાલુકાઓમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત નાંદોદ ચોર્યાસી, માણસા, માતર, પારડી, ઘોઘા, કેશોદ, ઉમરેઠ, વાંસદા, વંથલી, ગરુડેશ્વર, માંગરોળ, ખેરગામ, બોટાદ, જુનાગઢ શહેર, સાવરકુંડલા, ખેડા મળી કુલ ૧૭ તાલુકાઓમાં બે ઈંચથી વધુ જ્યારે અન્ય ૩૯ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૨૧ને સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકામાં ૧૪૫ મી.મી. એટલે કે છ ઈંચ જેટલો, જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકામાં ૧૩૨ મી.મી. એટલે કે પાંચ ઈંચથી વધુ જ્યારે માંગરોળ તાલુકામાં ૧૦૦ મી.મી. એટલે કે ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૫.૮૫ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૩૨.૯૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૩૬.૧૫ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૨.૪૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૦.૬૭ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૫૫.૪૭ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.

(8:51 pm IST)