Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

પતિએ પત્ની અને ભાભીની છરીના ઘા ઝીકી હત્યા કરી

બોટાદ ડબલ મર્ડરથી કંપી ઉઠ્યું : મહિલાની બુમો સાંભળીને તેમના ભાભી બહાર આવ્યા હતા અને વચ્ચે પડતા દિયરે તેમની પણ હત્યા કરી નાખી

બોટાદ,તા.૧ :  કહેવાય છે ને કે કાયમી ઘર કંકાસનુ પરિણામ સારુ આવતુ નથી. આવો જ એક કિસ્સો રાણપુર પંથકમાં પ્રકાશમાં આવ્યો છે. બોટાદના રાણપુર તાલુકાના ગુંદા ગામે પતિએ પોતાની પત્ની અને ભાભીને છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી છે. છરીના ઘા ઝીકી પતિએ પત્ની અને ભાભીને મોતને ઘાટ ઉતારી હત્યારો પતિ ફરાર થઈ ગયો હતો. આ ઘટનાથી નાનકડા ગુંદા ગામમાં શોક પ્રસરી જવા પામ્યો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી અને બંને મહિલાની હત્યા કરનાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.  બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગુંદા ગામે આજે બપોર બાદ મહિલાઓના ડબલ હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ગુંદા ગામે રહેતા ભીખુ ડોડીયા કે જેઓ પોતાના ઘરે હતા, તે દરમિયાન તેમના પત્ની હર્ષાબેન સાથે બોલાચાલી થઈ હતી. તેવામાં ભીખુ ડોડીયા એકાએક આક્રોશમાં આવી પત્ની હર્ષાબેન પર તૂટી પડ્યો હતો અને ધડાધડ છરીના ઘા ઝીંક્યા હતા. તે દરમ્યાન ભીખુના મોટા ભાઈના પત્ની એટલે ભાભી કૈલાસબેન ઘરે હતા. ત્યારે કૈલાસબેને દેકારો સાંભળતા તેઓ રૂમની બહાર આવ્યા હતા. તેમણે જોયું તો, તેમના દિયર ભીખુ ડોડીયા પોતાની પત્નીને છરીના ઘા મારી રહ્યા હતા. જેથી તેઓ કૈલાસબેને છુટા પાડવા વચ્ચે પડ્યા હતા. આવામાં ભીખુ તેના ભાભી કૈલાસબેન પર પણ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે તેમના ભાભી કૈલાસબેનને પણ છરીના ઘા માર્યા હતા. ત્યારે બંને દેરાણી-જેઠાણીના ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત થયા હતા. આ ઘટનાની વાત વાયુવેગે સમગ્ર ગુદા ગામમાં વહેતી થતા નાનકડા ગુંદા ગામમાં શોક પ્રસરી ગયો હતો. રાણપુર તાલુકાના ગુંદા ગામે રહેતા ભીખુભાઈ ડોડીયાના ઘરે છેલ્લા કેટલાક સમયથી ઘર કંકાસ ચાલી રહ્યો હતો. તેમજ ભીખુના ભાભી કૈલાસબેન નિસંતાન છે. આ ઘરકંકાસે મોટુ સવરુપ ધારણ કર્યું હતું અને ભીખુએ પોતાની પત્ની હર્ષાબેન તેમજ તેમના મોટાભાઈના પત્ની એટલે તેમના ભાભી કૈલાસબેનને છરીના ઘા ઝીંક્યા હતા. બંને દેરાણી જેઠાણીના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત થયા હતા. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ડીવાયએસપી નકુમ, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ  કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બંને દેરાણી જેઠાણીની હત્યા કર્યા બાદ હત્યારો ભીખુ ડોડીયા ફરાર થયો હતો. જ્યારે પોલીસ દ્વારા બંને દેરાણી જેઠાણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે હત્યારા ભીખુભાઈ ડોડીયા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે તેવું બોટાદના ડીવાયએસપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું.

(8:48 pm IST)