Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

મોડી રાત્રે પૂજા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

પોલીસની હાજરીમાં કોવિડ-૧૯નું પાલન થયું ન હતું : ધાર્મિક ઉત્સવો ઉજવી રહેલા લોકો કોરોનાની ત્રીજી લહેરને ચોક્કસ આમંત્રણ આપશે તેવી સ્થિતી સર્જાઇ રહી છે

વડોદરા,તા.૧ : કોરોનાની સંભવિત લહેર વચ્ચે સરકાર દ્વારા કોવિડ-૧૯નું પાલન કરવાની શરતે વિવિધ ધાર્મિક મહોત્સવમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. પરંતુ, ધાર્મિક ઉત્સવો ઉજવી રહેલા લોકો કોરોનાની ત્રીજી લહેરને ચોક્કસ આમંત્રણ આપશે તેવી સ્થિતી સર્જાઇ રહી છે. વાલ્મીકી સમાજ દ્વારા ઉજવાતા છડી મહોત્સવમાં પોલીસની હાજરીમાં કોવિડ-૧૯નું પાલન થયું ન હતું. એક છડી દીઠ ૪૦ લોકોને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ, છડીના આયોજકો દ્વારા નિયમનું પાલન કરવામાં આવ્યું ન હતું. ન્યાય મંદિર, લહેરીપુરા દરવાજા ખાતે મોડી રાત્રે પૂજા-વિધી માટે લાવવામાં આવેલી છડીમાં હજારોની સંખ્યામાં વાલ્મીકી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. વડોદરામાં વાલ્મીકી સમાજ દ્વારા ગોગા મહારાજની સ્મૃતિમાં વર્ષોથી ધામધૂથી છડી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારોના વાલ્મીકી સમાજના મંડળો દ્વારા ભવ્યાતિ ભવ્ય છડી તૈયાર કરવામાં આવે છે. અને શ્રાવણ વદ નોમના દિવસે છડીને વાજતે-ગાજતે ન્યાય મંદિર લહેરીપુરા ખાતે લાવવામાં આવે છે. અને ત્યાં પૂજા-વિધિ કર્યા બાદ પુનઃ વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલ સ્થાનકમાં લઇ જવામાં આવે છે અને બીજા દિવસે પવિત્ર જળનો છંટકાવ કરીને વિસર્જન કરવામાં આવે છે. શ્રાવણ વદ નોમના દિવસે ઉજવાતા છડી મહોત્સવમાં શહેર પોલીસ તંત્ર દ્વારા વાલ્મીકી સમાજને એક છડી સાથે ૪૦ લોકોને જોડાવવા માટેની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ, શ્રદ્ધાના આ પર્વમાં હજારોની સંખ્યામાં વાલ્મીકી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. મોડી રાત્રે ન્યાય મંદિર લહેરીપુરા ખાતે માનવ કીડીયારું ઉભરાયું હોય તેમ જણાતું હતું. છડી મહોત્સવમાં કોવિડ-૧૯નું પાલન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જોકે, પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની તકેદારી રાખતા કોઇ અપ્રિય ઘટના બની ન હતી. વાલ્મીકી સમાજના અગ્રણી રજનીકાંત સોલંકીએ જણાવ્યું હતું કે, વાલ્મીકિ સમાજ દ્વારા છેલ્લા ૪૦૦ વર્ષથી છડી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. શહેરમાં આ વખતે ૩૦ જેટલી છડી બેસાડવામાં આવી હતી. પરંપરા મુજબ નોમના દિવસે છડીને ન્યાય મંદિર, લહેરીપુરા ખાતે લાવવામાં આવે છે. અહીં પૂજા-વિધી કર્યા બાદ છડીને વાજતે-ગાજતે પુનઃ વિસ્તારમાં ગોગા મહારાજના મંદિરે લઈ જવામાં આવે છે. જ્યાં બીજા  દિવસે પવિત્ર જળનો છંટકાવ કરી વિસર્જન કરવામાં આવે છે.

(8:47 pm IST)