Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસ પોષણ-માસ તરીકે ઉજવાશે : રાજ્યભરમાં ૪ સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન

તમામ જિલ્લાઓના ૧૧,૦૦૦ આંગણવાડી કેન્દ્રોમાં ન્યુટ્રી ગાર્ડન બનાવવાનું આયોજન : કુપોષિત જિલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રના બાળકોને ન્યુટ્રીશન કીટ વિતરણ : અતિ કુપોષિત બાળકોને શોધીને ન્યુટ્રીશન યુક્ત ખોરાક પૂરો પડાશે : સગર્ભા માતાઓ, બાળકો અને કિશોરીઓને સામુહિક યોગ દ્વારા જાગૃતિ કેળવાશે

અમદાવાદ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સગર્ભા માતાઓ, બાળકો અને કિશોરીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને કુપોષિત થતાં અટકે એ માટે રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત આગામી સપ્ટેમ્બર માસ ‘‘પોષણ માસ’’ તરીકે ઉજવાશે. રાજ્યભરમાં આ માસના ચારે સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરાયું છે એમ મહિલા અને બાળ કમિશનરશ્રી કે.કે.નિરાલાની યાદીમાં જણાવાયું છે.

 યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર ‘‘પોષણ અભિયાન’’ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પ્રતિવર્ષ સપ્ટેમ્બર માસમાં જન આંદોલન માટે રાષ્ટ્રીય પોષણ માસ અને માર્ચ માસમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવમાં આવે છે જેના ભાગરૂપે ગુજરાતમાં જન આંદોલન થકી આ કાર્યક્રમો યોજાશે.
  રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત સપ્ટેમ્બર ૨૦૨૧ માં પોષણ માસની સાપ્તાહિક થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ સપ્તાહ દરમિયાન પોષણ વાટિકા સંદર્ભે આંગણવાડી કેન્દ્રો, શાળાઓ, પંચાયત અને જાહેર સ્થળોએ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાશે. રાજ્યના ૩૩ જિલ્લાની ૧૧,૦૦૦ આંગણવાડી કેન્દ્રોમાં જ્યાં કંપાઉન્ડ વોલ, પાણીની સુવિધા અને જમીન ઉપલબ્ધ છે તેવી જગ્યાઓમાં વન વિભાગ, બાગાયત વિભાગ તથા જનભાગીદારી દ્વારા ૩૫ લાખથી વધુ રોપાઓનું વનીકરણ કરાશે. આ માટે રાજ્યના વન વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપનીના સહયોગથી પોષણ માસ દરમિયાન મહત્તમ ન્યુટ્રી ગાર્ડનનું નિર્માણ કરવાનું વ્યાપક સ્તરે આયોજન કરાયુ છે.
  સગર્ભા માતાઓ, બાળકો અને કિશોરીઓને પોષણ માટે જાગૃતિ આવે તે આશયથી બીજા સપ્તાહમાં યોગ અને આયુષ વિભાગ દ્વારા સામૂહિક યોગના કાર્યક્રમો થકી કુપોષિત થતા અટકાવવાનો સંનિષ્ઠ પ્રયાસ કરાશે.
  ત્રીજા સપ્તાહમાં રાજ્યના અતિકુપોષિત જિલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓમાં ન્યુટ્રીશન કીટનું વિતરણ કરાશે. જ્યારે ચોથા સપ્તાહમાં વિવિધ જિલ્લાઓમાં અતિ કુપોષિત બાળકોને શોધીને ન્યુટ્રીશન ખોરાક પૂરો પાડવામાં આવશે.
પોષણ અંગે જાગૃતિ આવે એ આશયથી સોશિયલ મીડિયા દ્વારા તથા વિવિધ કાર્યક્રમો દ્વારા લાભાર્થીઓને જાગૃત કરાશે. આ કાર્યક્રમો kovid-19 માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન થાય એ રીતે યોજાશે.

(5:38 pm IST)