Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ખેડા તાલુકાના કાજીપુરા ગામની સીમમાં ખાનગી કંપનીને નિશાન બનાવી તસ્કરોએ એક લાખથી વધુના માલની તસ્કરી કરી

ખેડા:તાલુકાના કાજીપૂરા ગામની સિમમાં આવેલ એક ખાનગી કંપનીના  ગોડાઉનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. ગોડાઉનનુ શટર તોડી આશરે એક લાખ રૂપિયાનો માલ ચોરી કરી ચોર  ફરાર થઇ ગયા હતા. જોકે ગણતરીના કલાકોમાં પોલીસે ચોરઈસમોને ઝડપી પાડયા હતા.

ખેડા તાલુકાના કાજીપૂરા ગામની સીમમાં આવેલ કંપનીના મેનેજરે લખાવેલ ફરિયાદ અનુસાર તેઓ ગત તા.૨૯ ના રોજ વહેલી સવારે નોકરી પર આવેલ અને મોડી સાંજ સુધી પેકીંગનુ કામ ચાલુ રહ્યુ હતુ. રાતના બારવાગ્યાની અરસામાં કામ પૂર્ણ કરી લોક મારી ચાલી સિક્યુરીટીને આપી હતી. તા.૩૦ ના સવારે પાંચેક વાગ્યાની અરસામાં સિક્યુરીટી ગાર્ડે ફોન કરી કંપનીમાં ચોરી થઇ હોવાની જાણ કરી હતી. જેથી મેનેજર દિપકકુમાર અને આસીસ્ટન્ટ મેનેજર નીલેશ રાઉત બંને વ્યક્તિઓ બનાવ સ્થળે પહોચ્યા હતા. જ્યા જઇને તપાસ કરતા ગોડાઉનના શટરને મારેલ તાળુ તુટેલ હતુ અને શટર અર્ધ ખુલ્લુ હતુ. આ બાદ અંદર જઇને તપાસ કરતા આશરે ચાના ૧૯૨ પેકેટો કિ.રૂા.૯૯,૮૪૦ ના મૂદ્દામાલની ચોરી થઇ હોવાનુ માલૂમ પડયુ હતુ. આ બનાવ અંગે કંપનીના મેનેજર દિપકકુમાર પ્રેમશંકર શુકલાએ ખેડા પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી અને ખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મંગળવારે પોલીસની કાર્યવાહીના અનુસંધાનમાં છ આરોપીઓને ખેડા ટાઉન પોલીસ મુદ્દામાલ સાથે ઝડપી લાવી હતી. ગણતરીના કલાકોમાં મુદ્દામાલ રિકવર કરીને ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. આરોપીઓને ઝબ્બે કરી પોલીસ ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:14 pm IST)