Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

હિટ એન્ડ રન: ગાંધીનગરમાં શાકભાજી લેવા જઈ રહેલ આધેડને કારે હડફેટે લેતા ગંભીર ઇજાથી ઘટનાસ્થળેજ મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ

ગાંધીનગર:શહેરના જ-માર્ગ ઉપર ગઈકાલે સાંજના સમયે ઘરેથી શાકભાજી લેવા જઈ રહેલા બોરીજ ગામના આધેડને પુરઝડપે જતી કારે અડફેટે લીધા હતા અને શરીરે ગંભીર ઈજાઓના કારણે તેમનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. અકસ્માત બાદ કારનો ચાલક ત્યાંથી કાર લઈને નાસી છુટયો હતો. જો કે તેના નંબરના આધારે સે-ર૧ પોલીસે ગુનો દાખલ કરીને શોધખોળ આદરી છે.

ગાંધીનગર શહેરમાં સામાન્ય અકસ્માતોની સાથે હીટ એન્ડ રનની ઘટનાઓ પણ વધી રહી છે અને આવા ગુનાઓમાં વાહનચાલકો પણ જલ્દી પકડાતા નથી ત્યારે ગઈકાલે પણ શહેરના જ-માર્ગ ઉપર બોરીજ જૈન દેરાસર કટ પાસે હીટ એન્ડ રનની વધુ એક ઘટના સર્જાઈ હતી. આ અંગે બોરીજ ગામે રતન ટેકરી ખાતે રહેતા મુકેશજી દશરથજી ઠાકોરે ફરીયાદ નોંધાવી હતી કે ગઈકાલે સાંજના સમયે તેમના પિતા દશરથજી બેચરજી ઠાકોર ઘરેથી સે-ર૧માં શાક લેવા જવાનું કહીને નીકળ્યા હતા અને થોડી જ વારમાં તેમના ઓળખીતા હંસાબેનનો ફોન આવ્યો હતો કે તમારા પિતાને બોરીજ જૈન દેરાસરના કટ ઉપર એક કારના ચાલકે અકસ્માત સર્જયો છે જેથી મુકેશભાઈ તુરંત જ ત્યાં પહોચ્યા હતા અને જોયું તો શરીરે ગંભીર ઈજાઓના કારણે મોત નીપજયું હતું. અકસ્માતની ઘટનાના પગલે આસપાસના લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને અકસ્માત કરનાર કાર નં.જીજે-૦૧-એચકે-ર૭૦૮ હોવાનુ ખુલ્યું હતું. જેથી હાલ તો પોલીસે કારના ચાલકની શોધખોળ આદરી છે. 

(5:13 pm IST)