Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ખેડૂતોને SDRF સહિતની યોજનાઓનો લાભ નહીં અપાય તો આંદોલન: આપની ચીમકી

ખેડૂતોને સહાય અને દુષ્કાળ મેન્યુઅલના અમલની માગણી સાથે આપ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાશે

અમદાવાદ :રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખેંચાતા વાવેતરને નુકસાન થઇ રહ્યું છે ત્યારે ખેડૂતોને સરકાર તરફથી કાયદેસરની સહાય મળવી જોઇએ તે એસડીઆરએફ અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ લાભ આપવા આમ આદમી પાર્ટીએ માગણી કરી છે. ખેડૂતોને સહાય અને દુષ્કાળ મેન્યુઅલના અમલની માગણી સાથે આપ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે અને તેમ છતાં સરકારની ઉંઘ નહીં ઉડે તો આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ચીમકી પણ અગ્રણીઓ દ્વારા અપાઇ છે. આપના અગ્રણી નેતાઓ ભેમાભાઇ ચૌધરી અને સાગર રબારીએ મીડિયાને જણાવ્યું હતું કે રાજ્યમાં લાંબા સમયથી વરસાદના અભાવે ખેડૂતોની સ્થિતિ વાવેતર વાવ્યા પછી કફોડી થઇ રહી છે ત્યારે સંવેદનશીલ ગણાતી સરકારે સામેથી ખેડૂતોને સહાય-રાહત આપવાની જાહેરાત કરવી જોઇએ પરંતુ તે કરાઇ રહી નથી. ખેડૂતોને એસડીઆરએફ હેઠળ તેમજ રાજ્યની પોતાની મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ તાત્કાલિક સહાય આપવાની માગણી કરતા તેમણે કહ્યું હતું કે જે તાલુકાઓમાં નહિવત્ વરસાદ છે ત્યાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઇ રહી છે. તેમાં વહેલી તકે દુષ્કાળ મેન્યુઅલનો અમલ કરવો જોઇએ તેની પણ સરકારી તંત્ર અવગણના કરી રહ્યું છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પણ રાહત મળી શકે. જો ખેડૂત અને પશુપાલક વર્ગને લગતી યોજનાઓના અમલ અને વિવિધ માગણીઓને લઇને તમામ જિલ્લામાં કલેકટર થકી મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવશે. રાજ્યપાલને પણ મળીને સરકાર દ્વારા ખેડૂતલક્ષી બાબતોની જાહેરાત થાય તે માટે રજૂઆત કરાશે

(1:52 pm IST)