Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

અમદાવાદ શહેરમાં જન્માષ્ટમી પર ૩૨૫ લોકો જુગાર રમતા ઝડપાઈ ગયા

પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો : ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા કુલ જુગારના કેસમાંથી લગભગ ૫૨ ટકા કેસ છેલ્લા પાંચ દિવસમાં નોંધાયા

અમદાવાદ,તા.૧ : શહેરમાં ઓગસ્ટમાં નોંધાયેલા કુલ જુગારના કેસમાંથી લગભગ ૫૨ ટકા કેસ છેલ્લા પાંચ દિવસમાં નોંધાયા હતા. કુલ ૩૧૭ કેસમાંથી ૧૬૫ છેલ્લા પાંચ દિવસમાં નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. જન્માષ્ટમીના તહેવારમાં શહેર પોલીસે છેલ્લા ત્રણ દિવસમાં ૧૪૯ કેસ નોંધ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેસ દીઠ સરેરાશ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી, જે છેલ્લા ત્રણ દિવસમાં વધીને લગભગ ૬ થઈ ગઈ હતી. ઓગસ્ટમાં જુગાર રમતા પકડાયેલા ૧,૬૮૫ લોકોમાંથી ૨૯ ઓગસ્ટથી મધ્યરાત્રિથી ત્રણ દિવસમાં ૮૮૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઓગસ્ટમાં ધરપકડ કરેલા કુલ લોકોના લગભગ ૫૨.૫ ટકા હતા. તેમાંથી મંગળવારે સૌથી વધારે ૬૯ કેસમાં ૪૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ૩૦મી ઓગસ્ટે ૫૪ કેસમાં ૩૨૫ લોકોને પકડવામાં આવ્યા હતા. સાથે જ, છેલ્લા ત્રણ દિવસમાં જપ્ત કરવામાં આવેલ સામાનની કુલ કિંમત ૨૪.૮૭ લાખ રૂપિયા હતી. શ્રાવણ મહિનામાં ખાસ કરીને જન્માષ્ટમી પર જુગાર રમવાની પરંપરા છે, જેમાં પોલીસે જુગારીઓ પાસેથી ૨૬ લાખની રોકડ સહિત ૫૧ લાખ જપ્ત કર્યા હતા. ગુજરાતમાં, ઘણા લોકો શ્રાવણિયો જુગરની પરંપરાનું પાલન કરે છે, જેની શરૂઆત આ વર્ષની ૮ ઓગસ્ટે થઈ હતી. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લોકો પરિવારના સભ્યો કે મિત્રો સાથે બેસીને સાતમ અને આઠમ પર જુગાર રમે છે. જુલાઈમાં શહેર પોલીસે ૧૪૯ કેસ દાખલ કર્યા હતા અને ૬૩૬ લોકોની ધરપકડ કરી હતી અને જુગારના ગુનામાં વપરાતા ૨૧.૪૮ લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જુગાર રમવાની પરંપરામાં હજી કોઈ ફેરફાર થયો નથી, ખાસ કરીને સાતમ-આઠમના તહેવાર પર. વ્યવસાયિક જુગારીઓ સિવાય, જે ઘણીવાર પકડાઈ છે, શહેર પોલીસે જુગારની આ પરંપરાના કારણે કેસોમાં વધારો નોંધ્યો હતો. અધિકારીઓએ કહ્યું હતું કે, જો ટ્રેન્ડ પર નજર કરીએ તો, જુગારના સૌથી વધુ કેસ શહેરના પૂર્વ ભાગમાં જોવા મળ્યા હતા. 'જો કે, તહેવાર દરમિયાન સમગ્ર શહેરમાંથી કેસ જોવા મળશે. આ સમયગાળા દરમિયાન લોકો જુગાર રમવા અને ઉજવણી કરવા માટે ફાર્મહાઉસમાં જાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

(12:22 pm IST)