Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

સુરતથી ભાઈ-બહેનની ધરપકડ કરાઈ : ફ્રેન્ડશીપની લાલચે રૂપિયા પડાવતા ભાઈ-બહેન ઝબ્બે

યુવાનોને ફ્રેન્ડશીપ ક્લબના નામે ઉલ્લૂ બનાવતી ટોળકીએ ૭૧ લોકોને ટાર્ગેટ બનાવી ૪૧.૪૯ લાખ પડાવી લીધા

અમદાવાદ,તા.૧ : યુવતીઓ સાથે ફ્રેન્ડશીપ અને મોજ-મસ્તીની લાલચના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતી ગેંગના નેટવર્કનો પર્દાફાશ થઈ ગયો છે. સાઈબર ક્રાઈમ દ્વારા ફરિયાદના આધારે તપાસ કરતા મોટો ભાંડો ફૂટ્યો છે અને આ નેટવર્ક સાથે જોડાયેલા ભાઈ બહેનની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હજુ ૯ આરોપીઓ આ કેસમાં વોન્ટેડ જાહેર કરાયા છે. અમદાવાદ ગ્રામ્ય ક્રાઈમ બ્રાન્ચને ફ્રેન્ડશીપના નામે ૧૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ મળ્યા બાદ તપાસ કરતા મોટો કાંડ સામે આવ્યો છે. સમાજનો ડર, પરિવારનો ડર, ઈજ્જત અને સ્વમાન ગુમાવવાના ડરના કારણે વ્યક્તિ આવા લફડામાં ફસાયા પછી ફરિયાદ કરવાનું ટાળે છે. ઓનલાઈન લોકોને ટાર્ગેટ બનાવતી ટોળકી લોકો પોલીસ પાસે જવાનું ટાળતા હોવાથી તેમને ખુલ્લો દોર મળી જતો હોય છે. લોકોને ફ્રેન્ડશીપના નામે ઠગીને રૂપિયા પડાવતી ટોળકીમાંથી ભાઈ-બહેનની ધરપકડ કરાઈ છે. આ કેસમાં એક ફરિયાદીએ જણાવ્યું હતું કે ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવાની લાલચે સૌથી પહેલા ?૨૪૦૦ ભર્યા હતા, આ પછી વિઝિટિંગ કાર્ડ અને યુવતીઓ સાથે મુલાકાત કરાવવાના નામે ૧૫,૦૦૦થી લઈને ૪ લાખથી વધુની રકમ અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવી હતી. ધીમે-ધીમે કરીને ફરિયાદીએ ૧૦,૪૫,૧૯૯ ભર્યા બાદ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા અમદાવાદ જિલ્લા સાઈબર સેલનો સંપર્ક કરીને સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતા ટોળકી સુરતમાં બેઠેલી હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદ પોલીસે રેડ પાડીને સુરતમાં રહેતા સની પંકજભાઈ પારેખ (૨૦) અને નેહા પંકજભાઈ પારેખ (૨૨)ની ધરપકડ કરી હતી. અમદાવાદ પોલીસે સુરતમાં પાડેલી રેડમાં સની અને નેહાની ધરપકડ કરવાની સાથે તેમની સાથે લેપટોપ, ડેસ્કટોપ, મોબાઈલ ફોન સહિત ૫૧ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હજુ આ કેસમાં કેલ્વીન જોધાણી, પ્રતીક જોધાણી, ભુરાભાઈ, ડોલી દેસાઈ, અમિતભાઈ, પવન, શ્રદ્ધા ઉર્ફે જારા, મયુર અને રૂપલ સતાપરાનો સમાવેશ થાય છે. મહિલાઓ સાથે ફ્રેન્ડશીપ માટે કોઈ વ્યક્તિનો ફોન આવે પછી આ ટોળકી તેમની સ્થિતિ અને માનસિકતાને ઓળખીને ધીમે-ધીમે તેમને ફસાવતી જતી હતી.

(12:22 pm IST)