Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ચાલુ વર્ષે ૮૦.૯૦ લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર

રાજ્યના વેઘર વોચ ગ્રુપની બેઠક યોજાઈ : સરદાર સરોવર જળાશયમાં ૧૫૫૪૧૯ એમસીએફટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના ૪૬.૫૨ ટકા છે

ગાંધીનગર,તા.૩૧ : સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને મહેસુલ વિભાગના અધિક સચિવ આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી.  સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત નિયામક સીસી પટેલે આ બેઠકમાં જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી રાજયમાં ૨૪ જિલ્લાના ૯૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વલસાડ જિલ્લાના ઉંમરગામ તાલુકામાં ૨૫૯ મીમી વરસાદ પડ્યો છે.

રાજયમાં અત્યાર સુધી તા.૩૧/૦૮/૨૦૨૧ અંતિત ૩૬૨.૪૧ મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૪૩.૧૪ ટકા છે. આઈએમડીના અધિકારીએ જણાવ્યુ છે કે, પાંચ દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજયમાં સારા વરસાદની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે તા. તા.૩૧ ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં અંદાજીત ૮૦.૯૦ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે.

ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન ૮૨.૯૮ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૪.૫૭ ટકા વાવેતર થયુ છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના અધિકારી દ્વારા જણાવાયુ છે કે, સરદાર સરોવર જળાશયમાં હાલ ૧,૫૫,૪૧૯ એમસીએફટી પાણીનો સંગ્રહ છે.

જે કુલ સંગ્રહ શકિતના ૪૬.૫૨ ટકા છે. સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, રાજયના ૨૦૬ જળાશયોમાં ૨,૮૭,૫૩૧ એમસીએફટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૫૧.૫૮ ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૦૬ જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૫ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર-૧૨ જળાશય છે.

એનડીઆરએફની કુલ ૧૫ ટીમમાંથી ૭ ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જુનાગઢ અને કચ્છ ખાતે ૧-૧ ટીમ ડીપ્લોય કરવામાં આવી છે. અને ૭-ટીમ વડોદરા અને ૧-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.  વન વિભાગ, મત્સ્ય વિભાગ, ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, જીએમબી, કોસ્ટગાર્ડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, જીએસઆરટીસી તથા ઇસરો, બાયસેગ, જળસં૫તિ અને સરદાર સરોવર નિગમ લિમિટેડના અઘિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા અને ચોમાસુ અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતુ.

(9:31 pm IST)