Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ડીસામાં પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા છાત્રનો આપઘાત

ડીસાની નર્સિંગ કોલજની આઘાતજનક ઘટના : વિદ્યાર્થીએ શિક્ષકના ટોર્ચર બાદ લાગી આવતા આપઘાત કરી લીધો હોવાનો કોલેજના અન્ય વિદ્યાર્થીઓનો આક્ષેપ

ડીસા,તા.૩૧ : બનાસકાંઠા જિલ્લાના ડીસા પાસે આવેલી ભારત નર્સિંગ કૉલેજમાં એક આઘાતજનક ઘટના ઘટી છે. કૉલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીઓ આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લીધા બાદ ચોંકાવનારા અહેવાલો સામે આવી રહ્યા છે. આપઘાત કરના વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરતા પકડાયો હતો અને ત્યારબાદ તેને શિક્ષકે કાઢી મૂક્યો હતો.

જોકે, આ વિદ્યાર્થીએ શિક્ષકના ટોર્ચર બાદ લાગી આવતા આપઘાત કરી લીધો હોવાનો કોલેજના અન્ય વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીઓએ આક્ષેપ સાથે હંગામો મચાવી અને આચાર્ય સામે કાર્યવાહીની માંગ કરી છે. બનાવની વિગતો એવી છે બનાસકાંઠામાં રસાણા પાસે આવેલી નર્સિંગ કોલેજના એક વિદ્યાર્થએ આત્મહત્યા કરતા અન્ય વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો.

મૃતક વિદ્યાર્થી પેપર ચોરી કરતા પકડાતા તેને ટોર્ચર કરી કાઢી મુકતા તેને આત્મહત્યા કરી હોવાના ગંભીર આક્ષેપો સાથે વિદ્યાર્થીઓ આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગ કરી કે છે અને જો ૧૨ દિવસમાં આચાર્ય સામે કડક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ડીસા પાલનપુર હાઈવે રસાણા પાસે આવેલું ભારત નર્સિંગ કોલેજ માં બીએસસી નર્સિંગના બીજા વર્ષ માં અભ્યાસ કરતાં પરેશ પૂંજાભાઈ સુથાર નામના વિદ્યાર્થી કોલેજમાં પરીક્ષા દરમિયાન પેપર ચોરી કરતા પકડાઈ ગયો હતો જેથી આચાર્ય તેની પાસે માફીનામું લખાવી તેના વાલીને બોલાવી ઠપકો આપ્યો હતો.

ઘટનાના ત્રણ દિવસ બાદ ગઈકાલે વિદ્યાર્થીને લાગી આવતા ત્રણ દિવસ બાદ સાબરમતી રિવર ફ્રન્ટ પાસે કેનાલમાં કૂદી આત્મહત્યા કરી લીધી હતી. જો કે આ આત્મહત્યા માટે કોલેજના સંચાલકો જવાબદાર હોવાના આક્ષેપો સાથે આજે અન્ય વિદ્યાર્થીઓએ કોલેજમાં ભારે હંગામો મચાવ્યો હતો.

૫૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ આજે સવારથી કોલેજનો ગેટ બંધ કરી ત્યાં મૃતક વિદ્યાર્થીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગ સાથે વિરોધ દર્શાવ્યો હતો. જોકે બાદમાં કોલેજના ટ્રસ્ટી મંડળે આવી વિદ્યાર્થીઓને સમજાવતા મામલો થાળે પડ્યો હતો.

વિદ્યાર્થીઓએ માંગણી કરી છે કે ૧૨ દિવસમાં વિદ્યાર્થીની આત્મહત્યા માટે જવાબદાર આચાર્ય સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જોકે, પરીક્ષામાં ચોરી કરવીએ કોઈ પણ રીતે યોગ્ય વાત નથી પરંતુ આવા કિસ્સાઓને કેવી રીતે હેન્ડલ કરવા તે પણ શૈક્ષણિક કૂનેહ માંગી લે છે ત્યારે ભારત નર્સિંગ કોલેજમાં ઘટેલી ઘટનાના પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.

(9:30 pm IST)