Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

ધોળકિયાએ મુંબઈમાં ૧૮૫ કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી

પ્રોપર્ટી ધોળકિયાના નામે રજિસ્ટર થયેલી છે : સવજી ધોળકિયાની કંપની હરે ક્રિષ્ના એક્સપોર્ટ દ્વારા ૬ માળનો પનહારમાં બંગલો ખરીદવામાં આવ્યો છે

સુરત,તા.૧ : સુરતના પ્રખ્યાત હીરા ઉદ્યોગપતિ સવજી ધોળકિયા અને તેમના પરિવારે મુંબઈમાં ૧૮૫ કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી છે. ધોળકિયા પરિવારે મુંબઈના વર્લીમાં સી ફેસિંગ પ્રોપર્ટી ખરીદી છે. સવજી ધોળકિયાની કંપની હરે ક્રિષ્ના એક્સપોર્ટ દ્વારા ૬ માળનો પનહાર બંગલો ખરીદવામાં આવ્યો છે, જેની માલિકી અગાઉ એસ્સાર ગ્રુપ પાસે હતી. ૨૦,૦૦૦ સ્ક્વેર ફૂટની આ પ્રોપર્ટી સવજીભાઈના નાના ભાઈ ઘનશ્યામ ધોળકિયાના નામે રજિસ્ટર થયેલી છે. આ બિલ્ડિંગમાં આશરે ૧૫ એપાર્ટમેન્ટ છે. ધોળકિયાએ જણાવ્યું, અમારો પરિવાર અને સ્ટાફ બંનેની સગવડ થઈ શકે તેવી પ્રોપર્ટી અમે શોધી રહ્યા હતા. અમે એસ્સાર પાસેથી આ પ્રોપર્ટી ખરીદી છે અને આ લોકેશન એવું છે જ્યાંથી અમારી ઓફિસો અને વર્કપ્લેસ પર સરળતાથી પહોંચી શકાય છે. ધોળકિયા પરિવાર મૂળ અમરેલીના દુધાળાનો વતની છે. ડાયમંડ એક્સપોર્ટ અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગ થકી હરે ક્રિષ્ના એક્સપોર્ટ્સનું વાર્ષિક ટર્નઓવર ૭,૦૦૦ કરોડ રૂપિયા છે. ધોળકિયાએ સુરતમાં ડાયમંડ પોલિશિંગ યુનિટથી શરૂઆત કરી હતી અને છેલ્લા ૩૦ વર્ષોમાં તેમણે મુંબઈ અને દુનિયાભરમાં પોતાનો બિઝનેસ વિસ્તાર્યો છે. અમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ સાન્તાક્રૂઝ ઈલેક્ટ્રોનિક એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન એસઈઝેડમાં આવેલું છે અને ઓફિસ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં છે. અમારી પાસે મુંબઈમાં કેટલીક રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે. પરંતુ આ પ્રોપર્ટીમાં વધુ કર્મચારીઓ અને પરિવારજનોની સગવડ થઈ શકશે*, તેમ ધોળકિયાએ ઉમેર્યું. છેલ્લા કેટલાક વર્ષોથી સવજી ધોળકિયા શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપનારા પોતાના કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે ઘર અને કાર આપી રહ્યા છે, જેના કારણે તેઓ ચર્ચામાં પણ રહે છે. સવજીભાઈએ પોતાના વતન અમરેલીમાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટિઝ પણ વિકસાવી છે.

(9:34 pm IST)