Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

ગાંધીનગરમાં સે-16માં પેટ્રોલ પંપમાં ભાગીદારી કરવાનું કહી માતા-પુત્રએ શિક્ષક પાસેથી 32 લાખની રકમની છેતરપિંડી આચરતા ગુનો દાખલ

ગાંધીનગર:શહેરના સે-૧૬માં આવેલા પેટ્રોલ પંપમાં ભાગીદારી કરવાનું કહી માતા-પુત્ર  દ્વારા શિક્ષક પાસેથી પ૩ લાખ રૂપિયાની રકમ મેળવી લેવામાં આવી હતી અને ત્યારબાદ ર૧ લાખ રૂપિયા પરત આપી દેવાયા હતા જો કે ૩ર લાખ જેટલી માતબર રકમ પરત નહીં આપી શિક્ષક સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરાઈ હોવા અંગે સે-ર૧ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.  

આ અંગે સે-ર૧ પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા ડી-૪૦૧, રાજલબ્ધિ હેરીટેજ, કોબા પાટીયા ખાતે રહેતા અને ડીપીએસ સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં અજય પ્રકાશ બાલેશ્વર ઉપાધ્યાયએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ શાળામાં અભ્યાસ કરાવતાં હતા તે સમયે ગાંધીનગરના પ્લોટ નં.૯૦ સે-૧૯ ખાતે રહેતા વિરલ વિનોદચંદ્ર જોશી સાથે સંપર્ક થયો હતો. તે સમયે વિરલભાઈ અને તેમની માતા પ્રજ્ઞાાબેન દ્વારા કહેવાયું હતું કે ઘ-પ ખાતે તેમનો પેટ્રોલ પંપ આવેલો છે અને ત્યાં સીએનસી સ્ટેશન શરૂ કરવા માંગે છે. જો તમે નાણાં રોકો તો પાર્ટનર બનાવીએ. આ રોકાણથી તમને મહિને બે લાખ રૂપિયા ફાયદો થશે જેને લઈ તેઓ વિશ્વાસમાં આવી ગયા હતા અને ભાગીદારી કરવા તૈયારી બતાવી હતી. જે પેટે ૬૦ લાખ રૂપિયા જેટલી રકમ માંગવામાં આવી હતી. સીએનજી સ્ટેશનનું કામ પૂર્ણ થયા બાદ ભાગીદારી દસ્તાવેજ કરવામાં આવશે. જેના પગલે અજય પ્રકાશ દ્વારા પ૩ લાખ રૂપિયા જેટલી રકમ વિરલભાઈ અને પ્રજ્ઞાાબેનને ર૦૧૮ ફેબુ્રઆરીમાં આપી દીધી હતી અને ભાગીદારી બાબતનું કોઈ લખાણ આપ્યું નહોતું. અવારનવાર આ લખાણની માંગણી કરી હતી પરંતુ તે લખી આપતા નહોતા. ત્યારે કેટલાક પરિચીતોને વચ્ચે રાખી લખાણ પણ મેળવી લીધું હતું અને પૈસા પરત ના મળે ત્યાં સુધી મહિને ૬૦ હજારનું વ્યાજ ચુકવવાની પણ ખાતરી આપી હતી. ત્યારબાદ પેટ્રોલપંપ ઉપર તપાસ કરતાં આ શિક્ષકને જાણવા મળ્યું હતું કે તેમણે પેટ્રોલપંપમાંથી ભાગીદારી છુટી કરી દીધી છે. જેથી અજયપ્રકાશ ફરીથી તેમના ઘરે ગયા હતા અને જયાં તેમને ર૧ લાખ રૂપિયા જેટલી રકમ પરત આપવામાં આવી હતી.જો કે બાકી નીકળતાં ૩ર લાખ લેવા માટે અવારનવાર જતા હતા ત્યારે વિરલભાઈ દ્વારા હવે કોઈ રૂપિયા બાકી આપવાના નીકળતા નથી તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ તેમને છેતરાયાનો અહેસાસ થતાં પોલીસને ફરિયાદના આધારે બન્ને વ્યક્તિઓ સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધ્યો છે. 

(5:23 pm IST)