Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

તારાપુર-ખંભાત રોડ નજીક જેસીબી મશીનના ભાડા બાબતે માલિકની હત્યાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ ફરિયાદ

તારાપુર:તારાપુર-ખંભાત રોડ ઉપર આવેલા નહેરના નાળા પાસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે જેસીબી મશીન તેમજ ભાડાના પૈસા બાબતે ગુંડેલના ભરવાડની હત્યાનો પ્રયાસ થતાં ચકચાર મચી જવા પામી છે. જેસીબી મશીન ભાડે રાખનાર ભરવાડે અન્ય ભરવાડની મદદથી ભાડુ લેવા માટે બોલાવીને માથાના ભાગે લાકડીના બે ફટકા મારીને તેમજ ગડદાપાટુનો માર મારતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે તારાપુર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ગુંડેલ ગામે આવેલા ભરવાડની ઝોકમાં રહેતા અજયભાઈ રાઘુભાઈ ભરવાડે આઠેક મહિના પહેલા પોતાના બે જેસીબી મશીનો માસિક ૬૦ હજારના ભાડેથી મોતીપુરા ગામે રહેતા મુકેશભાઈ વલુભાઈ ભરવાડને ભાડેથી આપ્યા હતા. શરૂના બે મહિના મુકેશભાઈએ ભાડુ નિયમિત આપ્યું હતુ. પરંતુ ત્યારબાદ ભાડુ આપવાનું બંધ કરી દીધુ હતુ. અજયભાઈ જ્યારે ભાડાની ઉઘરાણી કરે ત્યારે તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. દરમ્યાન ગઈકાલે રાત્રીના સુમારે તારાપુર ચોકડીએ રાહ જોયા બાદ અજયભાઈએ મુકેશભાઈને ફોન કરતા જ સાંઠ ચોકડીએ આવી જા, તારુ ભાડુ આપી દઈશ તેમ જણાવતા જ અજયભાઈ ત્યાં જવા રવાના થયા હતા. દરમ્યાન સાડા બારેક વાગ્યાના સુમારે તારાપુર-ખંભાત રોડ ઉપર આવેલા નહેરના નાળા પાસે ગગજીભાઈ ભરવાડ (સાંઠ)અને મુકેશભાઈ ભરવાડ (મોતીપુરા)ના લાકડીઓ લઈને ઉભા હતા. તેમને મળીને ભાડાની તેમજ જેસીબી મશીન પરત આપવાની વાત કરતા જ બન્ને ઉશ્કેરાઈ ગયા હતા અને મુકેશભાઈએ ભાડુ પણ નહીં મળે અને જેસીબી મશીન પણ પાછા નહીં મળે તેમ જણાવીને પોતાની પાસેની લાકડીની બે ઝાપોટો માથામાં વચ્ચેના ભાગે મારી દેતાં લોહી નીકળવા માંડ્યું હતુ. અજયભાઈ ચક્કર ખાઈને નીચે પડતા જ ગગજીભાઈએ ગડદાપાટુનો માર મારવાનું ચાલુ કરી દીધું હતુ. ત્યારબાદ જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. અજયભાઈને થોડુ ભાન હોય પોતાના મામાના દિકરા સંજયને ફોન કરતા સંજય અન્યો સાથે તુરંત જ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયો હતો. સારવાર બાદ ભાનમાં આવીને અજયભાઈ ભરવાડે પોતાની ફરિયાદ આપતાં પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા બન્ને શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 

(5:59 pm IST)