Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

અમદાવાદ શહેરની પૂર્વમાં વચ્‍ચે પસાર થતી દુર્ગંધ મારતી ખારી કટ કેનાલને તંત્ર દ્વારા આર.સી.સી. કોંક્રીટથી બંધ કરી રોડ બનાવાશે

આયોજનને પૂર્ણ કરવા કોર્પોરેશનને સિંચાઇ વિભાગ અને વર્લ્‍ડ બેન્‍ક સહાય આપશે

અમદાવાદઃ અમદાવાદ શહેરની પૂર્વમાં વચ્‍ચે પસાર થતી અને લોકો દુર્ગંધથી ત્રાહીમામ થતા ખારકીટ કેનાલને કોર્પોરેશન દ્વારા બંધ કરી ઉપર કોંક્રીટનો રોડ બનાવી નવીનીકરણ કરવામાં આવશે. જેના માટે તંત્ર પાંચ અલગ-અલગ કોન્‍ટ્રક્‍ટરોને કામગીરી સોંપશે, જે 24 મહિનામાં પૂર્ણ કરવાની રહેશે. આયોજનને પૂર્ણ કરવા સિંચાઇ વિભાગ અને વર્લ્‍ડ બેન્‍ક નાણાંકીય સહાય કરશે.

શહેરમાં મકાન લેવું એ એક સ્વપ્ન ગણાય છે પરંતુ અમદાવાદનો એક આખો વિસ્તાર એવો હતો કે જ્યાં કદાચ તાજમહેલ હોય તો પણ લોકો રહેવા જવા માટે તૈયાર નહોતા અથવા શક્ય હોય ત્યાં સુધી તેનાથી દુર રહેવાનો પ્રયાસ કરતા હતા. આ વિસ્તાર એટલે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વચોવચથી પસાર થતી ખારીકટ કેનાલ. આ કેનાલ એટલી બદબુ આવતી કે આસપાસમાં રહેવું મુશ્કેલ થઇ જતું હતું. જેના કારણે આ કેનાલ જ્યાંથી પણ પસાર થતી ત્યાં આસપાસના વિસ્તારો ડેવલપ જ થઇ શક્યા નહોતા. જો કે કોર્પોરેશન દ્વારા હવે નોનયુઝ થઇ ચુકેલી આ કેનાલને પુરવાની કામગીરી કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ઇતિહાસનું સૌથી મોટુ ટેન્ડર બહાર પાડીને ન માત્ર આ કેનાલને પુરવામાં આવશે પરંતુ સાથે સાથે તેનું બ્યુટિફિકેાશન પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેનાલનાં કેટલાક વિસ્તારોને પ્રાયોગિક ધોરણે વિકસાવવામાં આવ્યા હતા. જ્યાં બગીચા અને જોગિંગ પાર્ક જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. આ પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ હવે આ કેનાલને પુરીને રસ્તો બનાવવા માટેનું આયોજન કરવામાં આવશે.

આ આયોજનને પુર્ણ કરવા માટે કોર્પોરેશનને ગુજરાતનો સિંચાઇ વિભાગ અને વર્લ્ડ બેંક દ્વારા સહાય પુરી પાડવામાં આવશે. કેનાલને RCC કોન્ક્રીટના બોક્ષ દ્વારા બંધ કરી દેવામાં આવશે. તેના પર રોડ બનાવવામાં આવશે. જેના પગલે અમદાવાદની વચ્ચોવચથી રિંગરોડને પણ ટક્કર મારે તેવો રોડ પસાર થશે. આ કામગીરી ઝડપી થાય તે માટે 5 અલગ અલગ કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપાશે. 24 મહિનામાં આ કામગીરી પુર્ણ કરવાની રહેશે. એક સમયે કલંક ગણાતી ખારીકટ કેનાલ હવે કદાચ સાબરમતી રિવરફ્રંટને પણ ટક્કર મારે તો નવાઇ નહી.

(5:35 pm IST)