Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ : ઓગષ્‍ટમાં ફોટાવાળી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

બે રવિવાર સ્‍પે. કેમ્‍પ - બૂથ ઉપર યોજાશે : ૧૦ ઓકટોબરે આખરી પ્રસિધ્‍ધિ : તમામ પ્રકારના ફોર્મમાં પણ સુધારા આવી રહ્યા છે : ૧ ઓકટોબર - ૨૦૨૨ની સ્‍થિતિએ ૧૮ વર્ષ થતા હોય તેવો પણ યુવા વર્ગ નામ નોંધાવી શકાશે : ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ ૧૧ સપ્‍ટેમ્‍બર

રાજકોટ તા. ૧ : ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ ૩ થી ૪ મહિનામાં આવી રહી છે, અને તેના પરીણામે ચૂંટણીપંચે તડામાર તૈયારીઓ શરૂ કરી છે, તાજેતરમાં કલેકટરો સાથે ખાસ સ્‍પે. વીસી યોજાઇ, આવતીકાલે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ડે.કલેકટરોની ચૂંટણી મતદાર નોંધણી એં તાલીમ છે, તો આવતા અઠવાડિયે સંભવતઃ કલેકટરોની તાલીમ આવશે.
દરમિયાન ચૂંટણી પંચે ગુજરાત માટે સ્‍પે. સમરી રીવીઝન ફોટોવાળી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરી દીધો છે, ૧-૧૦-૨૦૨૨ની સ્‍થિતિએ ૧૮ વર્ષ થતાં હોય તેવા તથા જેમના નામો ન હોય તેઓ મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારણા, સ્‍થળાંતર, નામ કમી સહિતના ફોર્મ ભરી શકશે.
કલેકટર કચેરીના ચૂંટણી અધિકારી સૂત્રોના કહેવા મુજબ આગામી ૧૨ ઓગષ્‍ટે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિધ્‍ધિ થશે. ૧૨ તારીખથી ૧૧ સપ્‍ટેમ્‍બર સુધી લોકો નામ ઉમેરવા, કમી કરવા, સુધારણાના ફોર્મ ભરી શકશે. આ દરમિયાન ૨ થી ૩ રવિવાર સ્‍પે. કેમ્‍પ પણ બૂથ ઉપર યોજાશે.
આ પછી ૨૬ સપ્‍ટેમ્‍બર સુધી આવેલ દાવાઓનો નિકાલ થશે અને ૧૦ ઓકટોબરે રાજકોટ શહેર - જિલ્લાની ફાઇનલ મતદાર યાદી જાહેર થશે.
સૂત્રોના કહેવા મુજબ ફોર્મ નં. ૬-૭, ૮-૮-અમાં પણ પંચ ધરખમ સુધારા કરવા જઇ રહ્યું છે. હાલ ડુપ્‍લીકેટ ઓળખપત્ર કાર્ડ કાઢવાની કામગીરી લાંબા સમયથી બંધ છે તે હવે શરૂ થવાની શક્‍યતા છે, બીજી બાજુ જી.જે. સિરીઝના રાજકોટમાં ૨ થી ૨ાા લાખ સહિત ગુજરાતમાં લાખો ઓળખપત્ર કાર્ડમાં સુધારા કરવાના ફોર્મ ભરાવવા અંગે પંચની સૂચના છે, પરંતુ સ્‍થાનિક તંત્ર દ્વારા વિસ્‍તૃત પ્રસિધ્‍ધિ ન કરાઇ હોય, આવા કાર્ડ ધરાવતા ઘણા લોકો પાસે કાર્ડ નથી, તો અનેક લોકોએ સુધરાવી પણ લીધા છે.

 

(3:12 pm IST)