Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

જલ હૈ જીવન કા આધાર, જલ કો ન ફેકો બેકાર, ધરતી સે અંબર તક જાતા, યહી જલચક્ર કહલાતા

સૌરાષ્‍ટ્રના ૧૪૧ ડેમોમાં માત્ર ૨૨.૯૪% પાણી : નર્મદા ડેમમાં ૪૩.૭૧%

રાજ્‍યમાં ગયા વર્ષની ૧ જુલાઇની સરખામણીએ ૫૭૭.૫૦ એમ.સી.એફ.ટી. પાણી ઓછું : સમગ્ર ગુજરાતમાં એક માત્ર મહુવાનો બાગડ ડેમ આખો ભરેલો

રાજકોટ તા. ૧ : ગઇકાલથી અષાઢ માસનો અને આજથી જુલાઇ માસનો પ્રારંભ થઇ ગયો છે. એક પછી એક દિવસો વિતતા જાય છે પણ ચોમાસુ બરાબર જામતુ નથી. આજે અષાઢી બીજના શુકન સારા વરસાદથી થવાની આશા છે. વરસાદ ખેંચાતા ખેતી અને પીવાના પાણીની દૃષ્‍ટિએ ચિંતાના વાદળો ઘેરાવા લાગ્‍યા છે. સૌરાષ્‍ટ્રના ડેમોમાં હાલ કુલ જળ સંગ્રહ ક્ષમતાનું માત્ર ૨૨.૯૪ ટકા પાણી જ છે. રાજ્‍યમાં નર્મદા સહિત ૨૦૭ ડેમો પૈકી એક માત્ર ભાવનગર જિલ્લાના મહુવા પંથકનો બાગડ ડેમ આખો ભરેલો છે. બાકીના ડેમ અધૂરા છે. અમુકમાં તો તળિયા દેખાવાની સ્‍થિતિ છે. રાજ્‍યમાં સરેરાશ ૩૩.૧૩ જળ જથ્‍થો ઉપલબ્‍ધ છે.
રાજ્‍યમાં ૨૦૭ પૈકી સૌથી વધુ ૧૪૧ ડેમો સૌરાષ્‍ટ્રમાં છે. તે બધા ડેમોની કુલ જળસંગ્રહ ક્ષમતા પૈકી હાલ માત્ર ૨૨.૯ ટકા પાણી જ છે. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં સરેરાશ ૧૧.૩૭ ટકા, મધ્‍યમાં ૩૧.૮૯ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૪૧.૯૭ ટકા અને કચ્‍છના ૨૦ ડેમોમાં ૧૮.૩૯ ટકા પાણી હયાત છે. ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમમાં ૪૩.૭૧ ટકા પાણી ભરેલું છે.
ગુજરાતમાં ગયા વર્ષની ૧ જુલાઇએ જેટલું પાણી ડેમોમાં હતું તેના પ્રમાણમાં આજે ૫૭૭.૫૦ એમ.સી.એફ.ટી. ઓછું છે. વરસાદી માહોલ છે, ટુંક સમયમાં રાજ્‍યમાં સાર્વત્રિક ધોધમાર વરસાદથી નદી, તળાવો, જળાશયોમાં નવા નીરની નોંધપાત્ર આવક થવાની આશા છે.સૌરાષ્‍ટ્રમાં સૌથી વધુ ૩૬.૮૧ ટકા પાણી ભાવનગર જિલ્લામાં અને સૌથી ઓછું ૧.૨ ટકા પાણી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે.
આજે સવાર સુધીની સ્‍થિતિએ રાજ્‍યમાં મોસમના કુલ વરસાદ પૈકી ૯.૪૧ ટકા વરસાદ પડયો છે. જૂનનો સરેરાશ વરસાદ અઢી ઇંચ જેટલો (૬૪.૨૨ એમ.એમ.) થયો છે. જુલાઇ - ઓગષ્‍ટ ચોમાસા માટે નિર્ણાયક મહિના છે.

 

(11:46 am IST)