Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

કૌન ચલા ગયા યે ઇમ્પોર્ટન્ટ નહીં હૈ.. આયશાના આપઘાત બાદ તેના પતિનું હચમચાવી દેનારૃં સ્ટેટસ

અમદાવાદની આયશાના આપઘાત બાદ પતિનું વિચિત્ર સ્ટેટસ : પત્નીના મૃત્યુ પછી પતિનું સ્ટેટસ છતી કરી રહી છે તેની માનસિકતા : કૌન ચલા ગયા યે ઈમ્પોર્ટન્ટ નહીં હૈ.. સ્ટેટસના શબ્દોથી પરિવારને વધુ આઘાત લાગ્યો

અમદાવાદ,તા.૧: લગ્ન સંબંધો જીવનમાં ઘણું જ મહત્વ ધરાવતા હોય છે, આ લગ્ન સંબંધોને ટકાવી રાખવા માટે બન્ને તરફથી પ્રયાસો થાય તે જરુરી છે. પરંતુ શરુઆતમાં ડાહી-ડાહી અને સારી વાતો કર્યા પછી દહેજની માગણી, અત્યાચાર, શંકા, કુશંકાઓ વગેરેની ખરાબ અસરો લગ્ન જીવન પર પડતી હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે જેના વિશે જાણીને લોકોના રૂવાડા ઉભા થઈ જાય છે. પોતાના લગ્ન જીવનથી કંટાળી ગયેલી વટવાની આયશા મકરાણી ઉર્ફે સોનુએ રિવરફ્રન્ટ પર આપઘાત કર્યો હતો. આ ઘટના પહેલા આયશાએ પોતાના પતિ તથા પિતાની સાથે ફોન પર વાત કરી હતી, આ ફોન રેકોર્ડ અને વીડિયો જબરજસ્ત વાયરલ થઈ રહ્યા છે. જે અંગે પોલીસ દ્વારા નોંધ લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

એક તરફ આયશાએ પોતાના લગ્ન જીવનથી કેટલી કંટાળી છે તે અંગેની પિતા સાથેની ફોન પર થયેલી વાતચીતમાં સ્પષ્ટ થાય છે. જયારે બીજી તરફ તેના પતિએ વોટ્સએપ પર મૂકેલું સ્ટેટસ સામે આવી રહ્યું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં આ આયશાના પતિ આરીફનું સ્ટેટસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ સ્ટેટસમાં હિન્દી તથા અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, 'કૌન ચલા ગયા યે ઈમ્પોર્ટન્ટ નહીં હૈ, કૌન અબ ભી સાથ હૈ યે ઈમ્પોર્ટન્ટ હૈ!' આ પછી તેણે આગનું અને ૧૦૦% દર્શાવતા ઈમોજી પણ મૂકયા છે. પરિવારમાં એક દુઃખદ ઘટના બન્યા પછી પણ સ્ટેટસમાં જે પ્રકારની પતિની માનસિકતા છતી થઈ રહી છે તે લોકોને વધુ હચમચાવી રહી છે.

આયશાના લગ્ન વર્ષ ૨૦૧૮માં રાજસ્થાનમાં રહેતા આરીફ ખાન સાથે થયા હતા. લગ્ન પછી તેને દહેજ સહિતના મામલે ત્રાસ આપવામાં આવતો હતો. ઓડિયોમાં આયશાના પિતા એવું કહેતા પણ સંભળાય છે કે તેઓ તેની તકલીફ દૂર કરવા માટે બધી ફરિયાદ પાછી ખેંચી લેશે.

આયશા પાસે સતત દહેજની માગણી અને તે પૂરી ના થતાં તેને રાજસ્થાનથી તેના પિયર વટવામાં મૂકી દેવામાં આવી હતી, આ પછી આયશાના પિતાએ સાસરિયાને દોઢ લાખ રુપિયા આપ્યા હતા. આ પછી આરીફ આયશાને તેડી ગયો હતો પરંતુ ફરી દહેજ મામલે તેના પર અત્યાચાર શરુ થતા તેણે પરત અમદાવાદમાં આવીને પતિ અને સાસુ, સસરા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો.

પોતાના પર થતા અત્યાચારોના અંત ના દેખાતા આખરે આયશાએ ૨૫મી ફેબ્રુઆરીએ ખોટું પગલું ભરી લીધું હતું. આ પગલું ભર્યું તે પહેલા તેણે બનાવેલો વીડિયો અને પિતા સાથે કરેલી વાતચીતનો ઓડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં આયશા પોતાની તકલીફોથી કેટલી કંટાળેલી છે તે સ્પષ્ટ થાય છે. અમદાવાદ પોલીસ હવે આ દિશામાં આગળની કાર્યવાહી કરી રહી છે.

(10:18 am IST)