Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

રાજ્યની જિલ્લા પંચાયતનું અંદાજે 60.44 અને નગરપાલિકાનું 53.7 ટકા જેટલું મતદાન નોંધાયું

તાલુકા પંચાયતની ચૂંટણીમાં સૌથી વધુ અંદાજે 61.83 ટકા મતદાન : 2015 કરતા મતદાનમાં ઘટાડો

અમદાવાદ : ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચુંટણી તથા 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ઉપરાંત 81 નગરપાલિકાઓની ચૂંટણી આજે યોજાઇ છે. જિલ્લા પંચાયતનું અદાજીત મતદાન 60.44 ટકા થયું છે. જયારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં અંદાજે 61.83 ટકા અને નગરપાલિકાનું અંદાજે 53.07 ટકા મતદાન થયું હોવાની માહિતી મળવા પામી છે.

આજે સાંજે ગુજરાતના 22216 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થઇ ગયા હતા. આ ચુંટણીની મતગણતરી મંગળવારે તા. બીજી માર્ચના રોજ થશે. ગત 2015ની ચૂંટણીના આકડાં જોઇએ તો સૌથી વધુ જિલ્લા પંચાયતનું 69.55 ટકા મતદાન થયું હતું. જયારે તાલુકા પંચાયતનું 69.28 ટકા થયું હતું. જયારે નગરપાલિકાનું મતદાન 62.77 ટકા થયું હતું. 2015ની ચૂંટણીના મતદાનની સરખામણીએ 2021માં થયેલા મતદાનના આંકડા જોઇએ તો 2015 કરતાં 2021ની ચૂંટણીના મતદાનમાં ઘટાડો નોંધાયો છે.

તાજેતરમાં યોજાયેલી રાજયની છ મહાનગરપાલિકામાં પણ અગાઉની ચૂંટણીમાં ઓછું મતદાન થયું હતું. આ ઓછા મતદાન પાછળ કોરોનાના વધતા જતા કેસો ઉપરાંત ગરમીનું વધેલું પ્રમાણ, મોંઘવારી વગેરે બાબતો પણ જવાબદાર હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યાં છે

ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગુજરાતના 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત, 81 નગરપાલિકા માટેનું મતદાન હતું. ગુજરાતભરના મતદાતા ભાઇ-બહેનોએ મોટીસંખ્યામાં પુરી તાકાત સાથે પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો છે. સૈ મતદારોનો આભાર માનું છું કે તેમણે મતદાનના અધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખવાનો પ્રયત્ન કર્યો છે. તેમની સાથે પેજ કમિટીના સદસ્ય, પ્રમુખો સહિત સૈ આગેવાનો કે જેમણે ચુંટણી દરમિયાન ખૂબ કામ કર્યું છે.

જેમણે પડદા પાછળ રહીને પણ પક્ષને જીતાડવા માટે ખૂબ પ્રયત્ન કર્યો છે. તે તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાતના વિકાસના માર્ગે લઇ જવા માટે ગુજરાતના ભાઇ-બહેનો, મતદાતાઓ, કાર્યકર્તાઓ જે રીતે પ્રયત્નશીલ છે. તેના કારણે હું તમને વિશ્વાસ આપું છું કે, ભાજપના કાર્યકરો સતત ગુજરાતનું હિત જોશે. અને તેમણે શાસનની ધૂરા સંભાળવાનો મોકો મળશે તો પારદર્શક વહીવટ આપશે. અને લોકો માટે સતત કામ કરીને તેમનો વિશ્વાસ જાળવી રાખશે.

(9:31 pm IST)