Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ગુજરાતની ફી રેગ્યુલેટરીમાં વાલીઓને સમાવવાનો હુકમ

સુપ્રીમના ચુકાદાથી વાલીઓને મોટી રાહત થઇઃ ફી નિયમન કમીટીની નવેસરથી રચના કરવા તેમજ તેમાં અધ્યક્ષ સ્થાને નિવૃત્ત જજને રાખવા સુપ્રીમકોર્ટનો હુકમ

અમદાવાદ,તા. ૧, ગુજરાત સ્વનિર્ભર શાળા(ફી નિયમન) કાયદા-૨૦૧૭ની બંધારણીય કાયદેસરતાને પડકારતી રાજયભરની સ્વનિર્ભર શાળાઓ તરફથી સુપ્રીમકોર્ટમાં કરાયેલી પિટિશનો અને ગુજરાતના વાલીઓ તરફથી ફી રેગ્યુલેટરી કમીટી(ફી નિયમન કમીટી)માં વાલીઓના પ્રતિનિધિત્વને સમાવવા સહિતની દાદ માંગતી કરાયેલી રિટ અરજીઓના મહત્વના કેસમાં સુપ્રીમકોર્ટે આજે ગુજરાત રાજયની ફી રેગ્યુલેટરી કમીટીમાં વાલીઓને સમાવવા માટેનો બહુ મહત્વનો આદેશ કર્યો છે. સુપ્રીમકોર્ટે ફી નિયમન કમીટીની નવેસરથી રચના કરવા અને તેમાં અધ્યક્ષસ્થાને નિવૃત્ત હાઇકોર્ટ જજને રાખવા પણ હુકમ કર્યો હતો. સુપ્રીમકોર્ટે સ્વનિર્ભર શાળા સંચાલકોને પણ જોરદાર ઝટકો આપતાં આદેશ કર્યો હતો કે, સરકાર દ્વારા ફી નિયમન કાયદા અંતર્ગત નિર્ધારિત કરાયેલા ફી માળખા ઉપરાંતની વધારાની ફી વસૂલનાર શાળાઓએ વિદ્યાર્થીઓને તેમની વધારાની ફી પરત કરવાની રહેશે. આ હુકમને પગલે શાળા સંચાલકોને સુપ્રીમકોર્ટમાંથી બહુ મોટી પછડાટ મળી છે. સુપ્રીમકોર્ટે આજે તેના મહત્વના આદેશમાં ગુજરાતના ફી નિયમન કાયદામાં કેટલાક સુધારાઓ પણ સૂચવ્યા છે. જે મુજબ, ચારેય ઝોનલ કમીટીમાં નિવૃત્ત ડિસ્ટ્રીકટ જજની જગ્યાએ નિવૃત્ત હાઇકોર્ટ જજને અધ્યક્ષસ્થાને નિયુકત કરવાના રહેશે. જયારે બાકીના સભ્યો યથાવત રહેશે. રાજય કક્ષાની રિવીઝન કમીટીમાં પણ એકના બદલે બે નિવૃત્ત હાઇકોર્ટ જજની નિમણૂંક કરવાની રહેશે. ફી નિર્ધારણ અંગેની આ નવી કમીટીની રચના એક અઠવાડિયામાં કરવાની રહેશે.  વળી, આ કમીટીની રચનાના બે અઠવાડિયામાં હાલમાં રાજય સરકારે લઘુત્તમ રૂ.૧૫ હજાર, રૂ.૨૫ હજાર અને રૂ.૨૭ હજારની જે ફી મર્યાદા નક્કી કરી છે, તેમાં જો કોઇ સુધારો વધારો સૂચવવો હોય તો, સંચાલકો અને વાલીઓએ બે અઠવાડિયાની અંદર આ અંગેની રજૂઆત રાજય સરકારને કરવાની રહેશે. આ રજૂઆત મળ્યા બાદ તે પછીના બે અઠવાડિયામાં રાજય સરકારે નવું ફિક્સેશન જાહેર કરવાનું રહેશે અનએ ત્યારબાદ શાળાઓએ બે અઠવાડિયામાં નવી દરખાસ્ત આપવાની રહેશે. સુપ્રીમકોર્ટે સૂચવેલ નવી ઝોનલ કમીટીએ સરકારનું નવુ ફી ફિકસેશન કરે ત્યારબાદ સંચાલકોએ બે અઠવાડિયામાં ફી નિયમન અંગેની તેમની દરખાસ્ત રજૂ કરવાની રહશે. ત્યારબાદ ઝોનલ કમીટીઓએ ચાર અઠવાડિયામાં પ્રોવીઝનલ ફી જાહેર કરવાની રહેશે. સુપ્રીમકોર્ટમાં વાલીઓ તરફથી એવીમહત્વની રજૂઆત કરાઇ હતી કે, રાજય સરકાર દ્વારા ઘડાયેલો ફી નિયમન કાયદો કાયદેસર અને બંધારણીય છે કારણ કે, સરકારે વાલીઓ અને વિદ્યાર્થીઓના વિશાળ હિત અને શિક્ષણના વ્યાપારીકરણને અટકાવવાના ઉમદા આશયથી આ કાયદો ઘડયો છે. જો કે, વાલીઓએ એવી માંગણી પણ કરી હતી કે, ફી નિયમન કમીટી રચાઇ છે, તેમાં વાલીઓના પ્રતિનિધિત્વને સ્થાન નથી અપાયું તેટલા પૂરતી કાયદામાં ચૂક છે.

દેશના મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ સહિતના રાજયોમાં આવો કાયદો અમલી છે અને ત્યાંની ફી નિયમન કમીટીઓમાં વાલીઓને પ્રતિનિધિત્વ અપાયું છે તો આપણા ગુજરાતના કાયદામાં પણ વાલીઓને કમીટીમાં સ્થાન મળવું જ જોઇએ કારણ કે, આ વાલીઓ અને તેમના વિદ્યાર્થીઓને સ્પર્શતો મુદ્દો છે. તેથી હાઇકોર્ટે વાલીઓના વિશાળ હિત અને લાગણીને ધ્યાને લેવી જોઇએ. વાલીઓની આ રજૂઆત સુપ્રીમકોર્ટે ગ્રાહ્ય રાખી હતી અને ઉપરમુજબ મહત્વનો ચુકાદો જારી કર્યો હતો. સુપ્રીમકોર્ટના ચુકાદાને પગલે ગુજરાત સહિત દેશના વાલીઆલમમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે. વાલીઓએ સુપ્રીમકોર્ટના ચુકાદાને જોરદાર રીતે વધાવી લીધો હતો કારણ કે, સરકારની ફી નિયમન કમીટીમાં વાલીઓના પ્રતિનિધિત્વને સમાવવાની માંગણીનો સુપ્રીમકોર્ટે સ્વીકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના ફી નિયમન કાયદાને પડકારતી સ્વનિર્ભર શાળાઓની ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી ઢગલાબંધ રિટ અરજીઓ અગાઉ હાઇકોર્ટે એક અતિમહત્વના અને ઐતિહાસિક ચુકાદા મારફતે ધરાર ફગાવી દીધી હતી. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ.પંચોલની ખંડપીઠે રાજય સરકારના ગુજરાત સ્વનિર્ભર શાળા(ફી નિયમન) કાયદા-૨૦૧૭ને બહાલ રાખ્યો હતો.

(10:10 pm IST)