Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

પ્રધાનોના PA-PSની નિમણૂક ન થતાં કામ ટલ્લે

બજેટ સત્ર શરૂ થવાને વીસ દિવસ બાકી છતાં નવા મંત્રીઓ કામચલાઉ સ્ટાફથી ગાડાં ગબડાવે છે : બે વખત કેબિનેટમાં મુખ્યપ્રધાને સ્ટાફ સિલેકશનની યાદી માગી, એકાદ બે દિવસમાં નિમણૂકની શકયતા

અમદાવાદ તા. ૧ : ગુજરાતમાં સતત છઠ્ઠી વખત ભાજપ સરકારે સત્તા હસ્તગત કરીને શાસન ધૂરાં સંભાળી છે. આ પ્રક્રિયાને એક મહિના ઉપર સમય થયો હોવા છતાં ૧૯ સભ્યોના મંત્રીમંડળમાં મોટાભાગના સભ્યોને કાયમી પીએ (પર્સનલ આસિસ્ટન્ટ) અને પીએસ (પર્સનલ સેક્રેટરી) તેમજ અન્ય સ્ટાફ વગર જ ગાડું ગબડાવવું પડી રહ્યું હોવાની સ્થિતિ સર્જાઇ છે. નવી સરકાર આગામી ૨૦મીએ તેનું પહેલું બજેટ રજૂ કરવા જઇ રહી છે એવા સમયે લોકો પાસેથી આવતી રજૂઆતો, ફરિયાદોનો કેવી રીતે ઉકેલ, નિકાલ લાવવો તેના મુદ્દે નવા મંત્રીઓ ટલ્લે ચઢ્યા છે.

ડિસેમ્બર મહિનામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉપરાંત પોતાના કેબિનેટના સભ્યો સાથે શપથ લીધા હતા. આ શપથ વિધિ બાદ થોડા સમયમાં જ મંત્રીઓને એમના પીએ, પીએસ તેમજ જરૂરી સ્ટાફ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ફાળવી આપવામાં આવતો હોય છે. આ સ્ટાફ થકી જ મંત્રીઓ પોતાની પાસે આવતી રજૂઆતો, ફરિયાદોના નિવારણ અને નિકાલ માટે કામગીરી કરતા હોય છે. વિભાગોમાંથી આવતી ફાઇલો સંદર્ભે એમનું માર્ગદર્શન મંત્રીઓના નોટિંગ અને સહી માટે મહત્વનું હોય છે. પરંતુ આ વખતે થપથવિધિ બાદ તુરત જ પહેલી કેબિનેટ યોજવા અને એ પછી નાયબ મુખ્યપ્રધાનને મહત્વના ખાતાઓની ફાળવણીનો ડખો ઊભો થયો હતો. તેના ઉકેલ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુની મુલાકાત, રાષ્ટ્રપતિની બે દિવસની મુલાકાતમાં મંત્રીમંડળના સભ્યો, મોટાભાગનું વહીવટી તંત્ર રોકાયેલું રહ્યું હોવાથી વધુ વિલંબ થયો હતો.

ગતા સપ્તાહે મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દરેક મંત્રીઓ પાસેથી પીએ, પીએસ તેમજ સ્ટાફની યાદી માગી હતી, તેમ કહી સૂત્રો ઉમેરે છે કે, અગાઉ સરકારમાં હતા એવા નાયબ મુખ્યપ્રધાન સહિતના કેટલાક પ્રધાનોએ પોતાના જૂના સ્ટાફને જ યથાવત રાખીને કામગીરી શરૂ કરી દીધી છે, પરંતુ નવા અને પહેલી વખત મંત્રી બનેલા સભ્યોને હજુ આ મુદ્દે અસમનજસની સ્થિતિમાં છે. એમ છતાં બે-ત્રણ નવા પ્રધાનોએ જીએડીના ઓર્ડર વગર જ પોતાના વિશ્વાસુ અધિકારીઓને પોતાના મતવિસ્તાર કે જિલ્લામાંથી ઓફિસમાં બોલાવીને બેસાડી દીધા છે.

અહીં નોંધવુ ંજરૂરી છે કે, આનંદીબહેન પટેલ સરકારમાં સ્થાન મળ્યું હતું પછી રૂપાણી સરકારમાં સામેલ કરાયા ન હતા એવા કેટલાક સિનિયર પ્રધાનોએ અગાઉની જેમ નવેસરથી કેટલાક સ્ટાફને દૂર કરી દીધો છે જયારે જૂના સ્ટાફને પાછો પોતાની જોડે બોલાવી લીધો છે.

(9:48 am IST)