ધંધા પાણી
News of Friday, 15th December 2017

ફેડરલ રિઝર્વ બેંકે વ્યાજદર વધારતા ડોલર બનશે મજબૂતઃસોના અને ક્રુડતેલમાં કેવી પડશે અસર?

સોનામાં હવે વધુ ઘટાડાની શકયતા ઓછી??:નીચા ભાવે ખરીદીથી ભાવને ટેકો

રાજકોટ, તા.૧૫  : અમેરિકી સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વ અમેરિકમાં વ્યાજદર વધાર્યા છે. સેન્ટ્રલ બેંકે વ્યાજદરમાં ૨૫ બેસીસ પોઈન્ટનો વધારો કર્યો છે અને હવે નવા દર ૧.૨૫ થી ૧.૫૦ ટકાની વચ્ચે રહેશે. ફેડરલ વર્ષ ૨૦૧૮ દરમિયાન પણ વ્યાજદરોમાં ત્રણ વખત વધારવાના સંકેત આપ્યા છે. ત્યારે હવે અમેરિકન ફેડરલ રિઝર્વ બેન્કના વ્યાજદર વધારાની ભારત પર કેવી અસર પડશે તે જાણવું રસપ્રદ બની રહેશે. જાણકારોના માનવા મુજબ અમેરિકન સેન્ટ્રલ બેન્કના આ પગલાથી અમેરિકામાં રોકાણ પર વધુ વળતર મળશે. જેનાથી અમેરિકી અર્થવ્યવસ્થામાં રોકાણ વધશે અને અર્થવ્યવસ્થાની લીકવીડીમાં કમી આવશે. જેનાથી તેની કરન્સી ડોલરમાં મજબૂતી જોવાઈ શકે છે.

અમેરિકી વ્યાજદર વધારાથી ભારતીય શેરબજારમાં પણ અસર પડશે. ડોલર વધુ મજબૂત બનતા ભારતીય રૂપિયામાં દબાણ વધશે મજબૂત ડોલરની અસરે સોના ચાંદી અને ક્રૂડના ભાવ ઉપર અસર પડશે અને ભાવમાં નરમાઇ જોવા મળશે.

જોકે આજે ક્રૂડમાં નરમાઇ જોવાઈ હતી. પરંતુ સોના ચાંદીમાં ઝડપી રિકવરીનો માહોલ જોવાયો હતો. જાણકારોના માનવ મુજબ છેલ્લા કેટલાક દિવસોથી ફેડરલ રિઝર્વના વ્યાજદર વધવાના એંધાણને પગલે સોનામાં અને ચાંદીના ભાવમાં ઘટાડો થઇ ચુકયો છે અને હવે વધુ ઘટાડો થવાની શકયતા રૃંધાઇ છે. નીચા ભાવે સોના ચાંદીમાં નવી ખરીદી વધી છે અને ભાવને ટેકો સાંપડી રહયો છે.

(9:27 am IST)