ધંધા પાણી
News of Friday, 9th February 2018

તુવેરના ભાવ ટેકાથી નીચેઃ આફ્રિકન દેશોથી સસ્તી આયાતથી ખેડૂતોને નુકશાનઃ પ્રતિબંધ મુકવા માંગ

આફ્રિકન દેશો સાથેના કરારથી તુવેરની આયાતને મુકિત હોવાથી વધતી મુશ્કેલી

રાજકોટ, તા.૯ : કઠોળના ભાવમાં ઘટાડો થઇ રહયો છે. તેમાંયે એક સમયે જેના ભાવ આસમાને પહોંચ્યા હતા. તે તુવેરદાળના ભાવ હાલમાં ટેકાથી નીચા જોવાઈ રહ્યાં છે. કેન્દ્ર સરકારે તુવેરની આયાત નિયંત્રણ લાદીને વાર્ષિક બે લાખ ટનની આયાતની છૂટ આપી છે. પરંતુ આફ્રિકન દેશો સાથેના કરારને કારણે આયાત લિમિટ લાગુ પડતી નથી અને સરકારે કરેલા કરાર મુજબ તુવેર સરળતાથી આવી રહી છે. જેના કારણે ખેડૂતોને નુકશાન થઇ રહયું છે. ત્યારે આયાત પર પ્રતિબંધ મુકવા માંગણી ઉઠી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ગત ઓગસ્ટમાં આયાત નિયંત્રણ મુકાયા હતા. પરંતુ સરકાર દ્વારા થતી આયાત પર નિયમ લાગુ પડતો નહીં હોવાથી મોટાપાયે તુવેરની આયાત થઇ રહી છે. આયાતી તુવેરના ભાવ નીચા હોવાથી સ્થાનિક ખેડૂતોને પણ નીચા ભાવ મળી રહ્યાં છે. આવી સ્થિતિમાં સસ્તી તુવેરની આયાતથી ખેડૂતોને પૂરતા ભાવ નહિ મળતા નુકશાન થઇ રહયું છે. ત્યારે તુવેરની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા કર્ણાટકમાં માંગ ઉઠી છે.

(9:51 am IST)