Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

નવ મહિનામાં નોન બાસમતી ચોખાની નિકાસ ૬૩ લાખ ટને આંબીઃ ૪૦ ટકાનો જબરો વધારો

મૂલ્યની દ્રષ્ટિએ નિકાસ ૪૬ ટકા વધીને ૧૬૮૦૩ કરોડની થઇ

રાજકોટ, તા.૨૩ : ભારતીય નોન બાસમતી ચોખાની વૈશ્વિક માંગ વધતા નિકાસમાં જબરો વધારો થયો છે. સરકારી આંકડા મુજબ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં નોન બાસમતી ચોખાની નિકાસમાં ૪૦ ટકાનો વધારો થયો છે.

કેન્દ્રીય વાણિજય મંત્રાલયના આંકડા એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં નોન બાસમતી ચોખાની નિકાસ ૬૩.૩૮ લાખ ટન થઇ છે. જે ગતવર્ષની તુલનાએ ૪૦ ટકા વધુ છે. મૂલ્યની દ્રષ્ટિએ નિકાસ ૪૬ ટકા વધીને ૧૬૮૦૩ કરોડની થઇ છે. નોન બાસમતી ચોખાની નિકાસ વિક્રમી થવાની ધારણા છે.

આ અગાઉ વર્ષ ૨૦૧૪-૧૫માં ૮૨.૭૪ લાખ તન નિકાસ થઇ હતી. જાણકારોના માનવા મુજબ થાઈલેન્ડમાં જૂનો સ્ટોક ઓછો હોવાથી ભારતીય ચોખાની માંગમાં વધારો જોવાયો છે. બીજીતરફ થાઈલેન્ડમાં ઓછા સ્ટોકના કારણે ભાવ ઊંચકાતાં ભારતીય નિકાસકારો વધુ ભાવનો ફાયદો લેવા પણ વધુ નિકાસ પણ ભાર મૂકી રહ્યાં છે.

(10:06 am IST)