Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

મબલખ ઉત્પાદનથી ટમેટાની તેજી ઊંધા માથે પટકાઈ

ભાવ પડતર કરતા પણ નીચ : પૂરતા ભાવ નહિ મળતા ખેડૂતોને નુકશાન : ટમેટાને ફેંકી દેવા કે ઢોરને ખવડાવવા? જેવી સ્થતિનું નિર્માણ

રાજકોટ, તા.૨૩ : છેલ્લા બે મહિના પહેલા ૬૦થી ૭૦ રૂપિયે કિલો વેચાતાં ટામેટાંનું મબલખ ઉત્પાદન થતા લાલચોળ ટામેટાંની તેજી ઊંધા માથે પટકાઈ છે અને ભાવ પડતરથી પણ નીચે ગગડતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોને હાલમાં એક કિલો ટામેટાંની પડતર કિંમત ૬થી ૭ પ્રતિ કિલો પડી રહી છે. જયારે બજારમાં હોલસેલ ટામેટાંનો ભાવ ૨થી ૪ પ્રતિ કિલો છે. આમ પૂરતા ભાવ નહિ મળતા ખેડૂતોને પારાવાર નુકશાન થઇ રહયું છે. વેપારીઓ વધુ ભાવ ખેડૂતોને ચૂકવતાના હોઈને હવે ખેડૂતોને ટામેટાં ઢોરને ખવડાવવા કે ફેંકી દેવાની સ્થિતિનું નિર્માણ થયું છે.

ગુજરાતના ટામેટાં દિલ્હી, કોલકાતા અને મુંબઈનાં બજારોમાં નિકાસ થાય છે. આ વર્ષે પંજાબ અને હરિયાણા સહિતનાં રાજયમાં ટામેટાંનો મબલખ પાક ઊતર્યો છે. બે માસ પૂર્વે ટામેટાંના ભાવ આસમાને હતા. ૬૦થી ૭૦ પ્રતિ કિલો વેચાણ થઈ રહ્યાં હતાં. લોકોની ભોજનની થાળીમાં સલાડમાં અપાતાં ટામેટાં ગાયબ થઈ ગયાં હતાં. અન્ય શાકભાજી સસ્તા હોવા છતાં ટામેટાંના ભાવ ઘટવાનું નામ લેતા ન હતા. એક તબક્કે છૂટક ટામેટાંનો ભાવ ૮૦ પ્રતિ કિલોની સપાટીએ ડિસેમ્બર માસમાં પહોંચી ચૂકયો હતો. તે સમયે ભારે વરસાદના કારણે ટામેટાંના પાકને મોટું નુકસાન થયું હતું.

(10:05 am IST)