Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

દેશમાં ૫૦ના કિલો ડુંગળી વિદેશમાં ૪૫ના ભાવે વેચાશે?

લદ્યુતમ નિકાસભાવ ૮૫૦ ડોલરથી ઘટાડીને ૭૦૦ ડોલર પ્રતિ ટન કરાયાઃ એક મહિના સુધી લાગુ

રાજકોટ, તા.૨૩ : ડુંગળીના ઓછા ઉત્પાદનને કારણે સ્થાનિક સ્તરે વધતા ભાવ છતાં સરકારે ડુંગળીની નિકાસને પ્રોત્સાહિત કરવા શરૂ કર્યું છે. જેનાથી દેશમાં ડુંગળીના છૂટકભાવમાં ફરીવાર વધારો થવાની આશંકા દર્શાવાઈ રહી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલ જાહેરનામા મુજબ આવતા એક મહિના માટે ડુંગળીના લદ્યુતમ નિકાસભાવમાં ૧૫૦ ડોલરનો ઘટાડો કરાયો છે.

જાહેરનામા મુજબ ૨૦ ફેબ્રુઆરી-૨૦૧૮ સુધી ડુંગળીની નિકાસ માટે ૭૦૦ ડોલર પ્રતિ ટન લદ્યુતમ નિકાસ ભાવ લાગુ રહેશે. અત્યાર સુધીમાં આ ભાવ ૮૫૦ ડોલર પ્રતિ ટન હતો. આ ભાવને ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરીને મૂલવવામાં આવે તો એક ડોલરનો ભાવ ૬૪ રૂપિયા રાખીએ તો પહેલા ડુંગળીનો નિકાસ ભાવ ૫૪,૪૦ પ્રતિ કિલો હતો. પરંતુ, હવે એક મહિના માટે આ ભાવ ૪૪,૮૦ રૂપિયા રહેશે.

જાણકારોના માનવા મુજબ દેશના મોટાભાગના શહેરોમાં ડુંગળીનો છૂટકભાવ હજુ પણ ૫૦ રૂપિયાની ઉપર ચાલી રહયો છે. દેશની રાજધાની દિલ્હીમાં ડુંગળીનો ભાવ ૫૧ રૂપિયા પ્રતિ કિલો બોલ્યો રહ્યો છે. દેશના કેટલાયે શહેરોમાં પણ ભાવ આ પ્રકારે ઊંચા જોવાઈ રહયો છે. આમ ભાવ છતાં સરકારે નિકાસની શરતમાં છૂટ આપી છે. જેના કારણે સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ ફરી વધવાની ભીતિ વ્યકત કરાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ડુંગળીનું ઉત્પાદન અંદાજે ૧૦ લાખ ટન ઓછું રહેવાનું અનુમાન છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા મુજબ ચાલુ પાક વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન દેશમાં ૨૧૪ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થવાનું અનુમાન છે. જયારે વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન ૨૨૪ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થયું હતું. (૨૪.૨)

(9:43 am IST)