Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

રાજયમાં ચણાનું વિક્રમી વાવેતર : જીરૂની વાવણીમાં જબરો વધારો : ઘઉં,બટાટા અને ડુંગળીનું પણ વધ્યું

વાવેતર ગતવર્ષની તુલનાએ ૧૨ ટકા વધીને ૩૪ લાખ હેકટરે પહોંચ્યું : જુવાર મકાઈનું ઘટ્યું

રાજકોટ તા.૧૧ : રાજયમાં શિયાળુ વાવેતર ગયા વર્ષની તુલનાએ ૧૨ ટકા વધીને ૩૪ લાખ હેકટરે પહોંચ્યું છે જેમાં રવિ વાવેતરના મુખ્ય માનતા ઘઉંનું વાવેતર વધ્યું છે સાથે ચણાનું વિક્રમી વાવેતર થયું છે જયારે જીરૂ,રાયડો અને ડુંગળીનું વધ્યું છે જોકે ઘાણાનું વાવેતર ઘટ્યું છે બીજીતરફ બટાટાના નીચા ભાવ છતાં વાવેતરમાં વધારો થયો છે જયારે જુવાર અને મકાઈનું વાવેતર ઘટ્યું છે.

 

રાજયના કૃષિ વિભાગના આંકડા મુજબ રાજયમાં તા.૮મી જાન્યુઆરી સુધીમાં કુલ ૩૩.૮૮ લાખ હેકટરમાં વાવેતર થયું છે જે ગતવર્ષે આ સમયગાળા દરમિયાન ૩૦.૨૪ લાખ હેકટરમાં થયું હતું આમ ગયા વર્ષની તુલનાએ વાવેતરમાં ૧૨ ટકાનો વધારો થયો છે.

રાજયમાં બિન પિયત ઘઉંનું વાવેતર ૪ ટકા વધીને ૯.૯૮ લાખ હેકટરમાં થયું છે જયારે અન્ય ધાન્યપાકોના જુવાર અને મકાઈના વાવેતરમાં ક્રમશ ૨૮ અને ૨૪ ટકાનો ઘટાડો થયો છે કઠોળમાં સૌથી વધુ ચણાનું વિક્રમી વાવેતરથયું છે ચણાનું વાવેતર ૭૨ ટકા વધીને ૨.૯૧ લાખ હેકટરમાં થયું છે જે ગયા વર્ષે ૧.૬૯ લાખ હેકટરમાં થયું હતું.

મસાલા પાકોમાં જીરૂના ઊંચાભાવને કારણે વાવેતરમાં ૩૭ ટકા જેટલો જબરો વધારો થયાનું મનાય છે જોકે ધાણામાં ખેડૂતોને નુકશાની જતા વવએટરમાં ૪૨ ટકાનો જંગી ઘટાડો થયો છે બીજીતરફ ડુંગળી અને બટાટાનું વાવેતર વધ્યું છે.

(10:46 am IST)