Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

મગફળી બાદ રાજય સરકાર હવે ટેકાના ભાવે તુવેરની કરશે ખરીદીઃ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ

નાફેડ મારફત પ્રતિ કવીન્ટલ ૫૪૫૦ના ભાવે ૧.૨૮ લાખ મેટ્રિક ટન ખરીદાશે

રાજકોટ, તા.૭ : મગફળી બાદ રાજય સરકાર હવે તુવેરની પણ ટેકાના ભાવે ખરીદી કરશે કૃષિમંત્રીના નિવાસસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં રાજયભરમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવા સૂચના અપાઇ હતી.

આ વખતે રાજયમાં મોટા પાયે તુવેરનું ઉત્પાદન થયું છે. ત્યારે કેન્દ્ર સરકારના આદેશ મુજબ રાજય સરકારે નાફેડ મારફતે તુવેરની ખરીદી શરૂ કરી છે. સરકાર દ્વારા તુવેર પ્રતિ કિવન્ટલ ૫૪૫૦ રૂપિયાના ભાવે ખરીદી કરવાનું નક્કી કરાયું છે. તુવેરની ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા ૫ થી ૧૨ માર્ચ સુધી ચાલુ રહેશે. સરકાર ૧.૨૮ લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરશે.

વધુમાં રાજયના ૨૦થી વધુ ખરીફ કેન્દ્ર પર તુવેરની ખરીદીમાં સૌપ્રથમ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાશે ખેડૂતોને ખરીદી કેન્દ્ર પરથી મેસેજ આવે ત્યાર બાદ તેઓ તુવેર વેચવા માટે આવી શકશે. ખરીદી કેન્દ્ર પર કોઈ પણ પ્રકારની ગોલમાલ ન થાય તે માટે તમામ ખરીદ કેન્દ્ર અને ગોડાઉનને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મગફળીની ખરીદીમાં ટેકાના ભાવ અને ગેરરીતિ મુદ્દે કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો સતત પ્રયાસ થઇ રહ્યો છે. ત્યારે તુવેરની ખરીદીમાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ ન આચરાય તે માટે સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા અંગેની સૂચના અપાઈ છે.

(9:43 am IST)