સંદીપ સિંઘની બાયો-ફિલ્મ સૂરમાની રિલિઝ ડેટ બદલાઈ
મુંબઇ: લિજેંડરી હૉકી પ્લેયર સંદીપ સિંઘની બાયો-ફિલ્મ સૂરમાની રિલિઝ ડેટ બદલાવવામાં આવી હોવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. પંજાબી ગાયક અભિનેતા ઊડતા પંજાબ અને ફિલ્લૌરી ફેમ દિલજિત દોસાંઝ આ ફિલ્મમાં સંદીપ સિંઘનો રોલ કરી રહ્યો છે. ફિલ્મ સર્જન સાથે સંકળાયેલા એક યુનિટ મેમ્બરે પોતાનું નામ આપ્યા વિના જણાવ્યા મુજબ સૂરમા ફિલ્મ હવે જુલાઇમાં રજૂ થવાની શક્યતા છે. આમ થવાનું કારણ સમજાવતાં એણે કહ્યું હતું કે મૂળ યોજના મુજબ આ ફિલ્મ ચાલુ વર્ષના જૂનની ૨૯મીએ રજૂ કરવાની હતી. પરંતુ યોગાનુયોગે એ દિવસે ટોચના ફિલ્મ સર્જક મુન્નાભાઇ ફેમ રાજકુમાર હીરાણી નિર્દેશિત ફિલ્મ સંજય દત્તની બાયો -ફિલ્મ પણ રજૂ થવાની છે અને સૂરમાના સર્જકો એ ફિલ્મ સાથે બોક્સ ઑફિસ પર ટક્કર કરવાની ઇચ્છા ધરાવતા નથી. એટલે હવે સૂરમા જૂનની ૨૯મીએ નહીં પરંતુ જુલાઇના કેાઇ શુક્રવારે રજૂ કરાશે. એની રજૂઆત જુલાઇના પહેલા શુક્રવારે એટલે કે જુલાઇની છઠ્ઠીએ કરવામાં આવશે એમ સૂરમાના પ્રવક્તાએ કહ્યું હતું.