ફિલ્મ જગત
News of Tuesday, 31st January 2023

આયુષમાન ખુરાના પહોંચ્‍યા ગીરના જંગલોની સફરે

ગીરના ગાઇડ અને ગીરનું વાતાવરણ ગમી ગયું તસવીરો અને વીડિયો ઇન્‍સ્‍ટાગ્રામ સાથે શેર કર્યા

મુંબઇ,તા. ૩૧: બોલિવૂડ અભિનેતા આયુષમાન ખુરાના તેની ફિલ્‍મો અને સ્‍ટાઇલને કારણે સતત ચર્ચામાં રહે છે. અભિનેતા સોશ્‍યલ મીડિયા પર પણ બહુ એક્‍ટિવ હોય છે. અભિનેતાએ તાજેતરમાં જ ગુજરાતના સાસણ ગીરની મુલાકાત લીધી હતી. જેની તસવીરો અને વીડિયો સોશ્‍યલ મીડિયા પર પોસ્‍ટ કર્યા છે. આયુષમાનને ગીરના ગાઇડ અને ગીરનું વાતાવરણ ગમી ગયું છે.

આયુષમાન ખુરાનાએ ગીરની તસવીરો અને વીડિયો ઇન્‍સ્‍ટાગ્રામ સાથે શેર કર્યા છે. તેણે કેપ્‍શનમાં લખ્‍યું છે કે, ‘સાસણ ગીર. અમારા ગાઇડ ઇબુ ભાઈ પૂર્વ આફ્રિકન સિદ્દી સમુદાયના હતા. જે ૧૪મી અને ૧૭મી સદી વચ્‍ચે ગુજરાતમાં સ્‍થાયી થયા હતા.' આ સાથે જ તેણે બ્‍લેક અને યેલો હાર્ટ તેમજ સિંહનું ઈમોજી મુક્‍યું હતું.

આ પોસ્‍ટમાં એક વીડિયો છે જેમાં અભિનેતાને ગરમા-ગરમ કીટલીમાંથી ચા પીરસવામાં આવે છે. પરંતુ આયુષમાન કહે છે કે, ‘હું આ જોઈને જ ખુશ છું. મારે પીવી નથી'. તો અન્‍ય એક વીડિયોમાં અભિનેતા સુતેલો છે અને કોઈક તેની સાથે મસ્‍તી કરે છે. સાથે જ અભિનેતા ગાઇડ પાસેથી ઇતિહાસ પણ જાણે છે.

તમને જણાવી દઈએ કે, ગીર ભારતનું સૌથી જૂના અભયારણ્‍યમાંનું એક છે. સાસણ ગીરના જંગલમાં અલભ્‍ય વન્‍યજીવો અને તેમની જીવનશૈલીને નિહાળવાનો એક અદ્દભુત લ્‍હાવો છે. ગીરમાં સિંહ, દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિત અનેક પ્રકારના વન્‍યજીવો જોવા મળે છે. એશિયાટીક સિંહનું નિવાસ સ્‍થાન એટલે ગીર અભયારણ્‍ય, અને તેમા પણ સાસણ ગીર અભયારણ્‍ય પ્રવાસીઓનુ માનીતું સ્‍થળ છે. સાસણ ગીર અભયારણ્‍યમાં સિંહ સાથે અનેક હિંસક પ્રાણીઓ વસવાટ કરે છે. ગીરના જંગલમાં ગાઢ જંગલ અને અલભ્‍ય વૃક્ષો અને વનસ્‍પતિઓનો નજારો જોવા મળે છે.

વર્ક ફ્રન્‍ટની વાત કરીએ તો, અભિનેતાની ફિલ્‍મ ‘એન એક્‍શન હીરો'ગત મહિને રિલીઝ થઈ હતી. જેણે લોકોમાં આકર્ષણ જમાવ્‍યું હતું. પરંતુ બોક્‍સ ઓફિસ પર ફિલ્‍મ કંઈ બહુ કમાલ નહોતી કરી શકી.

તે સિવાય આયુષમાન ખુરાના વર્ષ ૨૦૧૯માં આવેલી ફિલ્‍મ ‘ડ્રીમ ગર્લ'ની સિક્‍વલ ‘ડ્રીમ ગર્લ ૨'પર કામ કરી રહ્યો છે. આ ફિલ્‍મ ૭ જુલાઈ ૨૦૨૩ના રોજ રિલીઝ થશે. ફિલ્‍મમાં આયુષમાનની સાથે મુખ્‍ય ભૂમિકામાં અનન્‍યા પાંડે છે. તે સિવાય અનુ કપૂર પરેશ રાવલ રાજપાલ યાદવ મનોજ જોષી અસરાની સીમા પાહ્વા અને વિજય રાઝ પણ ‘ડ્રીમ ગર્લ ૨'માં જોવા મળશે. સિક્‍વલનું દિગ્‍દર્શન અને લેખન રાજ શાંડિલ્‍ય એ કર્યું છે.

(10:35 am IST)