ફિલ્મ જગત
News of Friday, 30th September 2022

માર્ચમાં કરશે અક્ષય નવી ફિલ્‍મનું શુટીંગ

અક્ષયકુમારની છેલ્લી કેટલીક ફિલ્‍મો સફળ નિવડી નથી. જો કે ડાયરેકટ ઓટીટી પર આવેલી કટપુતલી લોકોને ખુબ પસંદ પડી છે. એ પહેલા રક્ષાબંધન સિનેમા ઘરોમાં આવી હતી. પરંતુ દર્શકોએ એ ફિલ્‍મને ખાસ આવકાર આપ્‍યો નહોતો. અક્ષય હવે તેની આગામી ફિલ્‍મ ‘ગોરખા'નું શુટીંગ શરૂ કરવાની તૈયારીમાં છે. આ ફિલ્‍મનું શુટીંગ આગામી માર્ચ મહિનામાં થશે. આ ફિલ્‍મમાં તે વોર હીરોનું પાત્ર ભજવી રહ્યો છે જેણે ૧૯૬૨, ૧૯૬૫ અને ખાસ કરીને ભારત-પાકિસ્‍તાનના ૧૯૭૧ના યુદ્ધમાં ભાગ લીધો હતો. મેજર જનરલ ઇઆન કાર્ડોઝોની લાઇફ પરથી આ ફિલ્‍મ બની રહી છે. આ ફિલ્‍મને અક્ષયકુમાર અને આનંદ એલ. રાય બનાવી રહ્યા છે. ઇન્‍ડિયન આર્મીની પાંચમી ગોરખા રાઇફલ્‍સ રેજિમેન્‍ટમાં ઇઆન કાર્ડોઝો લેજન્‍ડરી ઓફિસર હતા. આ ફિલ્‍મનું નિર્દેશન નેશનલ અવોર્ડ વિજેતા  ડિરેક્‍ટર સંજય પૂરણસિંહ ચૌહાણ કરી રહ્યા છે. ફિલ્‍મનું શુટીંગ શરૂ થાય એ પહેલાં ટીમ દરેક તથ્‍ય અને દરેક બાબતને રીચેક કરી રહી છે જેથી એને એકદમ વાસ્‍તવિક બનાવી શકાય.

(10:22 am IST)