ફિલ્મ જગત
News of Friday, 30th September 2022

બે મોટી ફિલ્‍મો ‘વિક્રમ વેધા' અને ‘પોન્‍નિયન સેલ્‍વન' આજથી રિલીઝ

એકમાં રિતીક રોશન-સૈફ અલી ખાન-રાધીકા આપ્‍ટે અને બીજી ફિલ્‍મમાં વિક્રમ-ઐશ્વર્યા રાય બચ્‍ચનની મુખ્‍ય ભુમિકાઃ બંને ફિલ્‍મોના ભરપુર એડવાન્‍સ બૂકીંગ થયા

આજથી બે મોટી ફિલ્‍મો ‘વિક્રમ વેધા' અને ‘પોન્‍નિયન સેલ્‍વન-૧' રિલીઝ થઇ છે.

બોલીવૂડમાં એક પછી એક ધડાધડ ફિલ્‍મો ફલોપ નિવડી રહી હતી એ પછી આવેલી રણબીર કપુર અને આલિયા ભટ્ટની બ્રહ્માષાએ બોયકોટ વચ્‍ચે પણ કરોડોની કમાણી કરી લીધી છે અને હજુ પણ આ ફિલ્‍મ ચાલી રહી છે. ત્‍યારે આજે રિલીઝ થયેલી વિક્રમ વેધા પર પણ દર્શકો અને બોલીવૂડને ખુબ આશા છે.

નિર્માતા એસ. શ્રીકાંત, ચક્રવર્તી, રામચંદ્ર, વિવેક અગ્રવાલ, ભુષણ કુમાર અને નિર્દેશક પુષ્‍કર-ગાયત્રીની આ ફિલ્‍મમાં રિતીક રોશન, સૈફ અલી ખાન, રાધીકા આપ્‍ટે અને રોહિત સરાફ મુખ્‍ય ભુમિકામાં છે. ફિલ્‍મમાં સંગીત સેમ એસ. સી.નું છે. ગીતોનું સંગીત વિશાલ શેખરે આપ્‍યું છે. આ એક્‍શન થ્રિલર જોનરની ફિલ્‍મ છે. આ ફિલ્‍મ ૨૦૧૭માં આવેલી તમિલ ફિલ્‍મ વિક્રમ વેધાની હિન્‍દી આવૃતિ છે. તમિલના નિર્દેશક પુષ્‍કર-ગાયત્રી જ હતાં. જેમાં આર. માધવન, વિજય સેતુપતિ અને શ્રધ્‍ધા શ્રીનાથ સહિતે ભુમિકા નિભાવી હતી. હાલની ફિલ્‍મમાં રિતીક અને શ્રૈફે મુખ્‍ય ભુમિકા નિભાવી છે. સૈફએ શુટીંગ દરમિયાન અસલી પિસ્‍તોલનો ઉપયોગ કર્યો હતો. ફિલ્‍મને દર્શકોમાં પ્રિય બનાવવા માટે નિર્માતા-નિર્દેશને કોઇ કચાસ રાખી નથી.

બીજી ફિલ્‍મ પોન્‍નિયન સેલ્‍વન તમિલ સાથે હિન્‍દી ભાષામાં પણ રિલીઝ થઇ છે. મણી રત્‍નમના નિર્દેશનમાં બનેલી આ ફિલ્‍મના નિર્માતા મણી રત્‍નમ અને સુબાસકરન છે. ફિલ્‍મમાં વિક્રમ, ઐશ્વર્યા રાય બચ્‍ચન, જયમ રવિ, કારથી, તૃષા, ઐશ્વર્યા લક્ષ્મી, પ્રભુ, સોભીતા ધુલીપાલા, આર. શરથકુમાર, વિક્રમ પ્રભુ, જયરામ, પ્રકાશ રાજ સહિતના કલાકારો છે. આ ફિલ્‍મ ૧૯૯૪ના કલ્‍કિ કૃષ્‍ણમુર્તિના તમિલ નોવેલ પર આધારીત છે. બંને ફિલ્‍મોનું એડવાન્‍સ બૂકીંગ પુરજોશમાં થયું છે. આ ફિલ્‍મો વચ્‍ચે ટક્કર જામવા કરતાં બંને ફિલ્‍મો દર્શકો નિહાળે તેવી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીને આશા છે.

(10:20 am IST)