ફિલ્મ જગત
News of Friday, 24th June 2022

રાજકુમારની ફિલ્‍મ હીટનું ટ્રેલર રિલીઝઃ સસ્‍પેન્‍સ અને થ્રિલરનું જબરદસ્‍ત મિશ્રણ

રાજકુમાર રાવને પોલીસ વિભાગના શ્રેષ્‍ઠ કોપ તરીકે દર્શાવવામાં આવ્‍યા છેઃ જેમાં દરેકને ભરપૂર વિશ્વાસ હોય છે

મુંબઇ,તા. ૨૪ : અભિનેતા રાજકુમાર રાવ અને સાન્‍યા મલ્‍હોત્રાની આગામી ફિલ્‍મ ‘હિટ - ધ ફર્સ્‍ટ કેસ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર જોઈને ફિલ્‍મની સ્‍ટોરીનો અંદાજો લગાવી શકાય છે. જોકે તેમાં સસ્‍પેન્‍સ અને થ્રિલરનો જબરદસ્‍ત ડોઝ જોવા મળશે. અઢી મિનિટના ટ્રેલરમાં રાજકુમાર રાવે વર્ચસ્‍વ જમાવ્‍યું હતું. ફિલ્‍મની આખી વાર્તા એક કેસની આસપાસ ફરતી હોય તેવું લાગી રહ્યું છે.

રાજકુમાર રાવને પોલીસ વિભાગના શ્રેષ્ઠ કોપ તરીકે દર્શાવવામાં આવ્‍યા છે. જેમાં દરેકને ભરપૂર વિશ્વાસ હોય છે. પરંતુ બેસ્‍ટ કોપ રાજકુમાર પોતે પણ પોતાની અંગત મુશ્‍કેલીઓ સામે લડતા જોવા મળે છે. જો આપણે ટ્રેલરમાં બતાવવામાં આવેલી વાર્તા વિશે વાત કરીએ તો - તેની શરૂઆત હાઇવે પર ઉભેલી એક છોકરીથી થાય છે. જેની કાર તૂટી પડે છે. એટલામાં જ એક પોલીસકર્મી ત્‍યાં આવે છે અને તેને તેની સાથે આવવાનું કહે છે. યુવતી પોલીસકર્મી સાથે જવાની ના પાડે છે.

ત્‍યારબાદ હાઈવે પર ઉભેલી યુવતીને ઈન્‍જેક્‍શન આપવામાં આવે છે. જે બાદ યુવતી ક્‍યાં ગઈ તેનું રહસ્‍ય રાજકુમાર ઉકેલતો જોવા મળશે. ટ્રેલરમાં જોઈ શકાય છે કે કેસ ઉકેલતી વખતે રાજકુમાર પોતે પણ તેમાં ફસાઈ જાય છે. એટલે કે ફિલ્‍મની વાર્તા આ છોકરીને શોધવા પર આધારિત હોય તેવું લાગી રહ્યું છે.

આ ફિલ્‍મમાં સાન્‍યા મલ્‍હોત્રા પણ મહત્‍વના રોલમાં છે. તે રાજકુમાર રાવની ગર્લફ્રેન્‍ડના રોલમાં જોવા મળી રહી છે. ટ્રેલરમાં એવું પણ બતાવવામાં આવ્‍યું છે કે સાન્‍યા પણ ક્‍યાંક ગાયબ થઈ જાય છે અને આ બધું જોઈને કલાકારો ખૂબ જ પરેશાન થઈ જાય છે. ફિલ્‍મનું ટ્રેલર એકદમ ધમાકેદાર અને સસ્‍પેન્‍સથી ભરેલું છે. ‘હિટ - ધ ફર્સ્‍ટ કેસ'નું નિર્માણ ભૂષણ કુમાર, દિલ રાજુ, ક્રિશન કુમાર અને કુલદીપ રાઠોડે કર્યું છે. આ ફિલ્‍મ બોક્‍સ ઓફિસ પર ૧૫ જુલાઈએ રિલીઝ થશે.

(10:17 am IST)