વેબ ફિલ્મ 'અર્ધ'માં 'ટ્રાન્સજેન્ડર'ની ભૂમિકા ભજવશે રાજપાલ યાદવ
મુંબઈ: બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવ ટૂંક સમયમાં વેબ ફિલ્મ 'અર્ધ'માં જોવા મળશે જેમાં તે શિવ નામના વ્યક્તિની ભૂમિકા ભજવશે, જે એક નાના શહેરનો છે. આ ફિલ્મનું ટ્રેલર બુધવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. વાર્તાની શરૂઆત સપનાના શહેર મુંબઈથી થાય છે. ફિલ્મમાં, શિવ પોતાની પત્નીની મદદથી જીવન નિર્વાહ કરવા માટે ટ્રાન્સજેન્ડર હોવાનો ડોળ કરે છે. ટ્રાન્સજેન્ડર બનીને તે પોતાની ઓળખ પાર્વતી તરીકે આપે છે.ફિલ્મ વિશે વાત કરતા રાજપાલ યાદવે એક નિવેદનમાં કહ્યું કે, 'અર્ધ' એ લોકોની વાર્તા છે જેઓ તેમના સપનાને સાકાર કરવા માટે દિવસ-રાત સંઘર્ષ કરે છે. આપણા દેશમાં લાખો શિવ અને પાર્વતી છે જેઓ પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા છે. આ તેની વાર્તા છે, અને તે કહેવા માટે હું સન્માનિત છું. પલાશ મુછલ દ્વારા નિર્દેશિત, આ ફિલ્મમાં રૂબીના દિલાઈક, હિતેન તેજવાણી અને કુલભૂષણ ખરબંદા પણ છે. આ ફિલ્મમાં રૂબીના રાજપાલની પત્નીની ભૂમિકામાં છે.