ફિલ્મ જગત
News of Saturday, 14th November 2020

મૂવી રિવ્યૂઃ લૂડો

એકશન, રોમાંચ અને કોમેડીના ડોઝથી ભરપૂર છે 'લૂડો': દમદાર છે પંકજ ત્રિપાઠીનું પર્ફોર્મન્સ

મુંબઇ, તા.૧૪: 'લૂડો'ના ટ્રેલરને જોઈને જે ઉત્સુકતા દર્શકના મનમાં ઉભી થઈ હતી. સ્ટોરી પણ તે ઉત્સુકતાને પૂરી કરે છે. એકસાથે અનેક સ્ટોરીઓ છે તેમજ અનેક કેરેકટર્સ પણ છે. દરેકની જિંદગીમાં પોતપોતાના ઉતાર-ચડાવ છે અને પોતપોતાની દિશામાં આગળ વધી રહી છે. જોકે, સ્ટોરી જેમ જેમ આગળ વધે છે તેમ તેમ દરેક કેરેકટર્સની જિંદગી પણ એકબીજા સાથે ટકરાય છે. દરેક સ્ટોરીનું એક જ કેન્દ્ર છે સત્ત્।ુભૈયા, જે ગેંગ્સ્ટર છે. બધું એવું જ છે જેવી રીતે લૂડોની રમતમાં થાય છે.

અનુરાગ બસુની 'લૂડો' સ્ટોરીઓનું કોકટેલ છે, મસાલો છે, કોમેડી અને રોમાન્સ તેમજ એકશનનો ડોઝ છે. જેટલી સ્ટોરી તેટલા જ અલગ અલગ પાત્ર છે. સત્ત્।ુભૈયા (પંકજ ત્રિપાઠી) ગેંગ્સ્ટર છે. જેની પોતાની જ સ્ટોરી છે. જોકે, તેને સમાંતર અને સ્ટોરીઓ ચાલે છે. આકાશ (આદિત્ય રોય કપૂર) અને અહાના (સાન્યા મલ્હોત્રા) એકબીજાની સાથે જ છે અને પ્રેમ કરે છે. નવા જમાનાનો પ્રેમ છે પરંતુ બન્નેના હોશ ત્યારે ઉડી જાય છે ત્યારે ખબર પડે છે કે તેમની એક સેકસ વિડીયો કિલપ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. થોડા દિવસો પછી અહાનાના લગ્ન પણ થવાના છે. જેથી તેને પહેલા તો બધી જ સ્થિતિ સરખી કરવી પડે તેમ છે.

બિટ્ટુ (અભિષેક બચ્ચન) ક્રિમિનલ છે. જેલમાંથી છ વર્ષ પછી છૂટી રહ્યો છે. જેવો તે છૂટે છે ત્યારે તેને ખબર પડે છે કે, તેની પત્ની અને દીકરી હવે પોતપોતાની જિંદગીમાં આગળ વધી ચૂકયા છે. ત્રીજી સ્ટોરી પિંકી (ફાતિમા સના શેખ)ની છે. જેને જાણ થાય છે કે તેનો પતિ હત્યારો છે. તે ભાગી જાય છે. પોતાના નાનપણના પ્રેમ આલોક ઉર્ફ અલુ (રાજકુમાર રાવ) પાસે. તે જ આશામાં કે એ તેની મદદ કરશે. જોકે, આ દરેકથી અલગ તેની પોતાની એક સ્ટોરી રાહુલ (રોહિત સર્રાફ)ની છે. જે સેલ્સમેન છે અને તેની સાથે એક નર્સ છે શીઝા (પર્લી માને), બન્ને પોતાના કામ પર જ અલગ અલગ ટોર્ચર સહન કરે છે. જોકે, એક દિવસ અચાનક જ તેની જિંદગી બદલી જાય છે.

'લૂડો' આમ તો મજેદાર છે. બિલકુલ તે રમતની જેમ જ જે આપણે નાનપણથી રમતા આવ્યા છીએ. દરેક પોતપોતાના રસ્તે ચાલી રહ્યું છે. જોકે, દરેકનો રસ્તો એકબીજા સાથે ટકરાય છે. ફિલ્મ પણ એવી રીતે જ ચાલે છે. રસપ્રદ લાગશે તમને પણ. દરેક કેરેકટરની સ્ટોરી શરુ થાય છે. જેનો ભૂતકાળ-વર્તમાન બતાવવામાં આવે છે અને ફિલ્મની સ્ટોરી શરુ થાય છે. જોકે, ધીરે ધીરે બધું રહસ્યમયી થતું જાય છે. અનેક કેરેકટર્સ અને દરેક સ્ટોરીઓને બાંધવાની કોશિશમાં અનુરાગ બસુની પકડ કયાંક ઢીલી થતી જણાય છે પરંતુ તેમણે સારી કોશિશ કરી છે.

અનુરાગ બસુની ફિલ્મ છે. જેથી તેમની છાપ દરેક જગ્યાએ જોવા મળે છે. ફિલ્મમાં ડાર્ક કોમેડી પણ છે અને રોમાન્સ પણ છે. પ્રીતમનું મ્યૂઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર પણ ફિલ્મને અનુરૂપ જ છે. આ ફિલ્મમાં બ્લૂ અને લાલ રંગનો પ્રેમ ઝળકે છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ ખૂબ જ મોટી છે. એકથી એક મંજાયેલા એકટર છે અને તે નિરાશ પણ કરતાં નથી. પંકજ ત્રિપાઠીએ ફરી એકવાર દિલ લૂંટ્યું છે. એક ગેંગ્સ્ટરના રોલમાં તે પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો છે. રાજકુમાર રાવ ફિલ્મમાં મિથુન ચક્રવર્તીનો ફેન બન્યો છે અને તેને એન્જોય કરે છે. અભિષેક બચ્ચને બિટ્ટુના રુપમાં પડદા પર પોતાની પકડ મજબૂત રાખી છે. જયારે ફાતિમા સના શેખનું કેરેકટર પણ રસપ્રદ છે. સાન્યા મલ્હોત્રા અને આદિત્ય રોય કપૂર પોતપોતાના રોલમાં ફીટ બેસે છે. રોહિત સર્રાફ પાસે ડાયલોગ્સ ઓછા છે પરંતુ તે અલગ જ રીતે નિખરે છે.

'લૂડો'માં અનેક તક એવી આવે છે જયારે તમને રોમાંચ ઉત્પન્ન થાય છે. અનેક એવી પણ તક છે જયારે તમે ખૂબ હસો છો. જોકે, કયારેક તમને કંટાળો પણ આવી શકે છે. અનુરાગ બસુ સ્ક્રિનપ્લે ટાઈટ રાખવામાં હજુ થોડી મહેનત કરી શકયા હોત. જોકે, તમે સંયમ રાખો તો તમને આગળ ખૂબ જ મજા પડે તેવું છે. ફિલ્મનો કલાઈમેકસ પણ ખૂબ જ સરસ છે. દરેક સ્ટોરીને સારી રીતે એકબીજા સાથે ગૂંથવામાં આવી છે. કેટલીક સરપ્રાઈઝ છે તો મેસેજ પણ છે. આ 'લૂડો' અંતમાં તો એવું જ કહે છે કે, કયારેય પણ કોઈને એ વાત પર મૂલ્યાંકન ન કરવું જોઈએ કે તેણે શું પસંદ કર્યું છે અને શું નિર્ણય કર્યો છે?

(3:02 pm IST)