બીગબી-સલમાન-શાહરૂખ વગેરે પોતાના બોડીગાર્ડને આપે છે વર્ષે ૨.૭ કરોડથી ૨ કરોડ સુધીનો પગાર
બોડીગાર્ડ શેરા છેલ્લા ૨૫ વર્ષથી સલમાન ખાનની સાથે છે. તે સલમાન ખાનને ‘માલિક' કહીને સંબોધે છે : શાહરૂખ ખાન જયાં પણ જાય ત્યાં બોડીગાર્ડ રવિ સિંહ તેની સાથે જ હોય છે : અક્ષય કુમારનો પર્સનલ બોડીગાર્ડ શ્રેયસે ઠેલે છે. અક્ષય કુમારનો દીકરો આરવ ક્યાંક બહાર જાય ત્યારે પણ બોડીગાર્ડ શ્રેયસે તેની સાથે હોય છે : અભિનેતા કયાંય પણ જાય બોડીગાર્ડ પડછાયાની જેમ સાથે રહે છે
મુંબઇ,તા. ૧૩: બોલિવૂડ એક્ટર્સના બોડીગાર્ડ દર મહિને કેટલો પગાર લે છે? તમારા મનમાં પણ ક્યારેક આ પ્રકારે સવાલ સૂઝ્યો હશે. કારણકે બોડીગાર્ડની સૌથી મોટી જવાબદારી એ છે કે એક્ટર્સને સુરક્ષા પૂરી પાડવી. કારણકે, એક્ટર કોઈપણ ફંક્શનમાં અથવા કામ અર્થે બહાર જાય છે ત્યારે બોડીગાર્ડ તેમની સાથે જોવા મળે છે. તો ચાલો જાણીએ બોડીગાર્ડના પગાર વિશે.
બોડીગાર્ડ શેરા છેલ્લા ૨૫ વર્ષથી સલમાન ખાનની સાથે છે. તે સલમાન ખાનને ‘માલિક' કહીને સંબોધે છે. એવું કહેવાય છે કે બોડીગાર્ડ શેરા દર વર્ષે ૨ કરોડ રૂપિયાનો પગાર લે છે. એટલે કે દર મહિને આશરે રૂપિયા ૧૬.૬ લાખ.
શાહરુખ ખાન જયાં પણ જાય ત્યાં બોડીગાર્ડ રવિ સિંહ તેની સાથે જ હોય છે. એક રિપોર્ટ મુજબ, શાહરુખ ખાનનો બોડીગાર્ડ દર વર્ષે રૂપિયા ૨.૭ કરોડ ચાર્જ કરે છે. એટલે કે દર મહિને આશરે રૂપિયા ૨૨.૫ લાખ.
એક વેબસાઈટ સાથેની વાતચીતમાં આમિર ખાનના બોડીગાર્ડ યુવરાજ દ્યોરપડે જણાવે છે કે ૯ વર્ષ પહેલા મેં સિક્યોરિટી કંપની જોઈન કરી. હું આમિર ખાન સર સાથે રહું છું. એવું જાણવા મળ્યું છે કે આમિર ખાન તેના બોડીગાર્ડ યુવરાજ દ્યોરપડેને દર વર્ષે રૂપિયા ૨ કરોડનો પગાર આપે છે. એટલે મહિનાનો પગાર આશરે રૂપિયા ૧૬.૬ લાખ.
અક્ષય કુમારનો પર્સનલ બોડીગાર્ડ શ્રેયસે ઠેલે છે. અક્ષય કુમારનો દીકરો આરવ ક્યાંક બહાર જાય ત્યારે પણ બોડીગાર્ડ શ્રેયસે તેની સાથે હોય છે. એક રિપોર્ટ મુજબ, બોડીગાર્ડ શ્રેયસે ઠેલેનો વર્ષનો પગાર રૂપિયા ૧.૨ કરોડ છે. એટલે કે તે દર મહિને ૧૦ લાખ રૂપિયાનો પગાર લે છે.
અમિતાભ બચ્ચનના પર્સનલ બોડીગાર્ડનું નામ જિતેન્દ્ર શિંદે છે. એક રિપોર્ટ મુજબ, બોડીગાર્ડ જિતેન્દ્ર દર વર્ષે રૂપિયા ૧.૫ કરોડ ચાર્જ કરે છે. એટલે કે તેનો દર મહિનાનો પગાર રૂપિયા ૧૨ લાખ ૫૦ હજાર છે.
અનુષ્કા શર્માના બોડીગાર્ડનું નામ પ્રકાશ સિંહ છે. પણ, અનુષ્કા શર્મા તેને સોનુ કહીને બોલાવે છે. મળતી માહિતી મુજબ, અનુષ્કા શર્મા તેના બોડીગાર્ડને પગારરૂપે દર મહિને રૂપિયા ૧૦ લાખ આપે છે. એટલે કે આ બોડીગાર્ડની વાર્ષિક કમાણી ૧.૨ કરોડ રૂપિયા છે.