કમબેક કરવાની જેનેલિયાની ઇચ્છા
અભિનેત્રી જેનેલિયા ડિસુઝા ફરી એક વખત બોલીવૂડમાં કામ કરવા તૈયાર થઇ રહી છે. મુંબઇમાં ૧૯૮૭માં જન્મેલી જેનેલિયા ડિસુઝાએ તેલુગુ, હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યુ છે. ૨૦૦૩માં તેણે બોલીવૂડમાં તુજે મેરી કસમ ફિલ્મથી કામ શરૂ કર્યુ હતું. પરંતુ તેને ઓળખ મળવામાં સમય લાગ્યો હતો. મસ્તી, મેરે બાપ પહેલે આપ, જાતે તુ યા જાને ના, લાઇફ પાર્ટનર, ફોર્સ, જય હો, ફોર્સ-૨ સહિતની ફિલ્મો કરી છે. વર્ષ ૨૦૧૨માં અભિનેતા રિતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા પછી તે ખાસ કામ કરતી જોવા મળી નથી. બાળકો અને પરિવારમાં વ્યસ્ત થઇ ગયેલી જેનેલિયા હવે ફરીથી બોલીવૂડમાં કામ કરવા ઇચ્છે છે. તે કહે છે અગાઉ પણ હું ફિલ્મો કરવા ઇચ્છતી હતી પરંતુ સેટ પર બાળકને લઇને જવાનું યોગ્ય લાગ્યું નહોતું. હવે બાળકો પોતાની રીતે સેટલ છે તો હું ફરીથી કામ કરી શકુ છું. હાલમાં બોલીવૂડમાં ખુબ સારી ફિલ્મો બની રહી છે તેનાથી તે ખુશ છે. મને મારી ઉમર મુજબના કોઇપણ રોલ મળશે એ મને પસંદ હશે તો તુરત સ્વીકારી લઇશ.