Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાનો આજે જન્મદિવસ

જો આજે જીવતા હો તો કાકા ૭પમો જન્મદિવસ મનાવતા હોત

મુંબઇ તા.ર૯ : રાજેશ ખન્ના અને તેમની પુત્રી ટવીન્કલનો આજે એક જ દિવસે જન્મદિવસ આવે છે. આજે રાજેશ ખન્ના એટલે કે કાકા આપણી વચ્ચે હોત તો તેમનો ૭પમો જન્મદિવસ મનાવતા હોત. રાજેશ ખન્નાને રોમેન્ટીક હીરો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમની આંખ લપકાવવાની અને ડોક ત્રાસી કરવાની અદા પાછળ લોકો દિવાના હતા.

 

રાજેશ ખન્નાની આરાધના, સચ્ચા જુઠા, કટીપતંગ, હાથી મેરે સાથી, મહેબુબ કી મહેંદી, આનંદ, આન મીલો સજના, આપકી કસમ જેવી ફિલ્મોએ બોકસ ઓફિસ ઉપર ધુમ મચાવી હતી. આરાધના ફિલ્મનું ગીત મેરે સપનો કી રાની કબ આયેગી તુ, તેમની કારકીર્દીનું સૌથી હિટ ગીત ગણવામાં આવે છે. જયારે આનંદ તેમની કેરીયરની સર્વશ્રેષ્ઠ ફિલ્મ માનવામાં આવે છે જેમાં કાકાએ કેન્સરગ્રસ્ત જીંદાદિલ યુવકની ભુમિકા ભજવી હતી. રાજેશ ખન્ના પોતાની ફિલ્મો અને નિભાવેલી ભુમિકાઓને કારણે તેમના ચાહકોના દિલો ઉપર રાજ કરતા રહેશે કારણ કે આનંદ મરતો નથી.

 

રાજેશ ખન્નાએ ૧૯૬૯ થી ૧૯૭૫ વચ્ચે અનેક સુપરહિટ ફિલ્મો આપી હતી. તેમનો જાદુ એવો હતો કે આ દરમિયાન પેદા થયેલા મોટાભાગના છોકરાઓએ રાજેશ રાખ્યુ હતુ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજેશ ખન્નાને લોકો કાકા કહી બોલાવતા હતા. તેમનુ સ્ટારડમ અનોખુ હતુ. યુવતીઓની વચ્ચે ખન્ના ભારે ફેમસ હતા. યુવતીઓને તેમને લોહીથી પત્રો લખતી. અનેક યુવતીઓએ તેમના ફોટા સાથે લગ્ન કર્યા હતા. સ્ટુડીયો કે કોઇ પ્રોડયુસરની ઓફિસ બહાર રાજેશ ખન્નાની સફેદ રંગની કાર ઉભી રહેતી તો એ કારને ચુંબન કરતી. કહેવાય છે કે લીપ્સ્ટીકના નિશાનથી તેમની સફેદ રંગની કાર ગુલાબી રંગની થઇ જતી. નિર્માતા-નિર્દેશકો ખન્નાના ઘરની બહાર લાઇન લગાવી બહાર ઉભા રહેતા. મ્હો માંગી કિંમત આપી તેમને સાઇન કરવા ઇચ્છતા હતા. રાજેશ ખન્નાએ ડિમ્પલ સાથે લગ્ન કર્યા હતા. આવા એક અભિનેતા આજે પણ લોકોના દિલ ઉપર રાજ કરી રહ્યા છે. રાજેશ ખન્નાએ ૧૮ જુલાઇ ર૦૧રના રોજ આ દુનિયામાંથી વિદાય લીધી હતી અને તેઓ અમર થઇ ગયા હતા. (૩-૩)

(2:32 pm IST)