Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીઝના જાણીતા સંગીતકાર આર.ડી. બર્મનનો આજે જન્‍મદિવસઃ પિતા એસ.ડી. બર્મને વિરાસતમાં પુત્રને સંગીત આપ્‍યુ હતુ

મ્‍યુઝીકની દુનિયામાં નવી ઓળખ બનાવીઃ 300થી વધુ ફિલ્‍મોમાં સંગીત આપ્‍યુ

મુંબઇઃ ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીઝના મશહુર સંગીતકાર રાહુલ દેવ બર્મનનો આજે જન્‍મદિવસ છે. જેમણે મ્‍યુઝીકની દુનિયામાં એક નવી ઓળખ ઉભી કરી છે. 300થી વધુ ફિલ્‍મોમાં સંગીત આપનારને તેમના પિતા એસ.ડી. બર્મન પાસેથી વારસામાં સંગીત મળ્‍યુ હતું. આર.ડી. બર્મન પર માત્ર 9 વર્ષની નાની વયે પિતાની ધૂન ચોરવાનો આરોપ લગાવ્‍યો હતો.

મ્યુઝિક સિનેમા જગતનો મહત્વનો હિસ્સો છે. અનેક મ્યુઝિક ડિરેક્ટર આવ્યા અને ગયા. પરંતુ આ ઈન્ડસ્ટ્રીમાં આર.ડી.બર્મન એટલે કે રાહુલ દેવ બર્મન સૌથી અલગ હતા. જેમણે મ્યુઝિકની દુનિયાને એક નવી ઓળખ આપી. આજે 27 જૂને આર.ડી.બર્મનનો જન્મ દિવસ છે.  300થી વધુ ફિલ્મોમાં સંગીત આપનાર આર.ડી.બર્મન માટે એમ કહેવુ બિલકુલ પણ ખોટુ નથી કે, સંગીત તેમને વિરાસતમાં મળ્યુ છે. તેમના પિતા એસ.ડી બર્મન પોતાના જમાનાનાં મશહૂર મ્યુઝિક ડિરેક્ટર હતા, જેમના ગીતો આજે પણ દીલસ્પર્શી છે. પરંતુ શું તમને ખબર છે કે, આર.ડી.બર્મન પર માત્ર 9 વર્ષની નાની વયે પોતાના પિતાની ધૂન ચોરવાનો આરોપ લાગ્યો હતો. ચાલો જાણીએ બર્મન સાહેબના બર્થ ડે પરનો આ મજેદાર કિસ્સો.

બાળપણથી જ કરી હતી સંગીતની પસંદગી-

આર.ડી.બર્મનની જિંદગી સાથે જોડાયેલો આ કિસ્સો એ સમયનો છે જ્યારે તેઓ માત્ર 9 વર્ષના હતા અને પોતાના પિતાથી દૂર રહીને કોલકત્તામાં અભ્યાસ કરતા હતા. મુંબઈના રહેવાસી એસ.ડીબર્મન અહીં રહીને ભણવાની સાથે સાથે ફિલ્મો માટે મ્યુઝિક તૈયાર કરતા હતા. દરેક પિતાની જેમ એસ.ડી.બર્મન પણ એમ માનતા હતા કે રાહુલ દેવ ભણે-લખે અને આગળ વધે. પરંતુ તેમનું ધ્યાન બાળપણથી જ મ્યુઝિકમાં હતુ અને આ જ કારણોસર એકવાર પરીક્ષામાં માર્ક્સ પણ ઓછા હતા.

નાની ઉંમરમાં પિતાને સંભળાવી હતી ધૂન-

એસ.ડી.બર્મનને જ્યારે માર્ક્સ ઓછા આવવાની વાત ખબર પડી તો, તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેમને બરાબરનો ઠપકો આપતા પૂછ્યુ કે, શું તેઓ ભણવા નથી માગતા? જેના જવાબમાં કહ્યું, કે તેઓ સંગીતકાર બનવા માગે છે. 9 વર્ષની ઉંમરના આર.ડી.બર્મનનાં મોંઢે આ વાત સાંભળીને તેઓ દંગ રહી ગયા અને પૂછ્યુ કે, કોઈ ધૂન બનાવી છે? આ સવાલના જવાબ રૂપે આર.ડી.બર્મને એક સાથે 9 ધૂન પિતાને સંભળાવી દીધી.

પુત્રની ધૂનનો ઉપયોગ પોતાની ફિલ્મમાં કર્યો-

આ વાતના થોડા મહિનાઓ બાદ કોલકત્તાના સિનેમાઘરોમાં ફિલ્મ ‘ફંટૂસ’ રિલીઝ થઈ. જેમાં આર.ડી.બર્મને બિલકુલ તે જ ધૂન સાંભળી જે થોડા સમય પહેલા પોતાના પિતાને સંભળાવી હતી. પોતાની ધૂન આમ અચાનક સાંભળીને આર.ડી.બર્મન નારાજ થયા અને પિતાને કહ્યું કે, તમે મારી ધૂન ચોરી છે. આ નારાજગી પર એસ.ડી.બર્મને પણ એવો જવાબ આપ્યો કે આર.ડી.બર્મનની બોલતી જ બંધ થઈ ગઈ. કહ્યું કે, તેઓ જોવા માગતા હતા કે, પુત્રની ધૂન પર લોકો કેવી પ્રતિક્રિયા આપે છે.

સંગીતની દુનિયામાં ધૂમ મચાવી હતી-

આર.ડી.બર્મને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકતાની સાથે જ ધમાલ મચાવી દીધી. તેમણે રેટ્રો મ્યુઝિકને વેસ્ટર્ન તડકો આપ્યો અને તેમની સ્ટાઈલને આજે પણ લોકો પસંદ કરે છે. આર.ડી.બર્મનનાં ગીતો આજે પણ ખૂબ સાંભળવામાં આવે છે. તેમણે ભૂત બંગલા, તીસરી મંજિલ, પડોસન, પ્યાર કા મોસમ, કટી પતંગ, ધ ટ્રેન, હમ કિસીસે કમ નહીં, સત્તે પે સત્તા, શક્તિ, સાગર જેવી અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું.

આર.ડી.બર્મનની લવ સ્ટોરી-

આર.ડી.બર્મન અને આશા ભોંસલેની મુલાકાત 1956માં થઈ હતી. ફિલ્મ તીસરી મંજિલમાં બંનેએ સાથે કામ કર્યુ હતું. આશા ભોંસલે અને આર.ડી.બર્મન બંનેને સંગીત સાથે પ્રેમ હતો. આ જ કારણોસર બંને એકબીજાની નજીક આવ્યા હતા. થોડો સમય વિત્યા બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યુ. આર.ડી.બર્મનની માં લગ્ન માટે રાજી ન હતી. કારણકે આશા તાઈ આર.ડી.બર્મન કરતા ઉંમરમાં 6 વર્ષ મોટા હતા. અનેક પડકારોને પાર કર્યા બાદ 1984માં લગ્ન કર્યા હતા.

(5:20 pm IST)