Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

90ના દશકની જાજરમાન અભિનેત્રી દિવ્‍યા ભારતીના મોત બાદની રહસ્‍યમય ઘટનાઃ માત્ર 20 વર્ષની ઉંમરે નિધન થયુ હતુ

ફિલ્‍મ ‘લાડલા'ના શુટિંગ વખતે ખુબ જ અડચણ આવતા સેટ પર હવન, પુજાવિધી કરાઇ હતી

મુંબઇ: દિવ્યા ભારતી એ 90ના દાયકામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક મોટી અને ચર્ચિત અભિનેત્રી હતી. દિવ્યાએ ખુબ જ ટૂંકા સમયમાં એ મોભો અને ખ્યાતિ મેળવી હતી જ્યાં પહોંચવાનું અનેક કલાકારોનું સપનું હોય છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દિવ્યાએ પોતાના 3 વર્ષના ફિલ્મી કરિયરમાં 21 ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ફિલ્મોમાં દીવાના, વિશ્વાત્મા, શોલા અને શબનમ, દિલ કા ક્યાં કસૂર, વગેરે સામેલ છે. દિવ્યા વિશે એવું માનવામાં આવી રહ્યું હતું કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટી ઈનિંગ ખેલશે. પરંતુ એ થાય તે પહેલા જ માત્ર 20 વર્ષની ઉંમરે તેનું નિધન થઈ ગયું.

બાલ્કનીમાંથી પડી, મોત બન્યું રહસ્ય

દિવ્યા ભારત 5 એપ્રિલ 1993ના રોજ તેના ફ્લેટની બાલ્કનીમાંથી નીચે પડી હતી. નીચે પડતાની સાથે જ દિવ્યાનું મોત થઈ ગયું હતું. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દિવ્યાનું મોત એક હત્યા હતી કે પછી અકસ્માત તે સ્પષ્ટ થઈ શક્યું નહતું. દિવ્યાના મોતની અસર તેની અનેક ફિલ્મો પર પડી હતી. અસલમાં દિવ્યા ભારતી તે વખતે અનેક ફિલ્મોમાં કામ કરી રહી હતી. જેમાંથી એક હતી લાડલા ફિલ્મ. દિવ્યાના મોત બાદઆ ફિલ્મમાં શ્રીદેવીને કાસ્ટ કરાઈ. આજે જે કિસ્સો અમે જણાવીશું તે ફિલ્મ લાડલા સાથે જોડાયેલો છે.

લાડલાના શુટિંગ વખતે ઘટી અજીબોગરીબ ઘટના

એવું કહેવાય છે કે દિવ્યા ભારતના મોત બાદ જ્યારે ફિલ્મ લાડલાનું શુટિંગ શરૂ થયું ત્યારે એક ખુબ જ અજીબોગરીબ ઘટના ઘટેલી જોવા મળી. અસલમાં શુટિંગ દરમિયાન શ્રીદેવી ડાયલોગના એક ખાસ  ભાગને બોલવામાં અટકી જતી હતી. પછી ખબર પડી કે દિવ્યા ભારતી પણ અહીં જ અટકી જતી હતી. અનેકવાર કોશિશ કરવામાં આવી પરંતુ શ્રીદેવી વારંવાર ત્યાં જ અટકતી હતી જ્યાં દિવ્યા ભારતી અટકતી હતી. આવામાં સેટ પર હવન પૂજા કરવામાં આવ્યા અને ત્યારે પછી શુટિંગ આગળ વધી શક્યું હતું. એવું કહે છે કે દિવ્યાની માતાને પણ દિવ્યા અનેક દિવસો સુધી સપનામાં દેખાઈ હતી.

(5:57 pm IST)