Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેન રંગોલીને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહતઃ હવે ૮ જાન્યુઆરીએ પોલીસ સમક્ષ હાજર થવા આદેશ

નવી દિલ્હીઃ અભિનેત્રી કંગની રનૌતને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. રાજદ્રોહ મામલામાં કંગના અને તેની બહેન રંગોલી ચંદેલની ધરપકડ વિરુદ્ધ ઉચ્ચ ન્યાયાલયે અંતિમ સુરક્ષા આપી છે. કંગનાએ આ મામલામાં પોલીસ એફઆઈઆર વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પરંતુ ઉચ્ચ ન્યાયાલયે તેને 8 જાન્યુઆરીએ મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવાના નિર્દેશ આપ્યા છે. 

મહત્વનું છે કે સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટ દ્વારા વિભિન્ન સમુદાયો વચ્ચે નફરત ફેલાવવાના આરોપને લઈને કંગના અને તેની બહેન વિરુદ્ધ મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે બાંદ્રા પોલીસને રિપોર્ટ નોંધી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. કંગના અને રંગોલી વિરુદ્ધ કાસ્ટિંગ ડાયરેક્ટર મુનવ્વર અલીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બદનામ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

કંગના અને રંગોલીએ 17 ઓક્ટોબરે જારી મેજિસ્ટ્રેટના આદેશ અને એફઆઈઆર રદ્દ કરવા માટે અરજી દાખલ કરી હતી. કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ ઉચ્ચ ન્યાયાલયને વિશ્વાસ અપાવ્યો કે બંન્ને બહેનો પોતાના નિવેદન નોંધાવવા માટે બાંદ્રા પોલીસની સમક્ષ 8 જાન્યુઆરી 12થી 2 કલાક વચ્ચે હાજર થશે. હાઈકોર્ટે 11 જાન્યુઆરીએ મામલાની વિસ્તૃત સુનાવણી કરશે. 

ખાસ વાત તે રહી કે જસ્ટિસ એસએસ શિંદેએ કલમ 124 એ લગાવવા પર વિરોધ વ્યક્ત કરતા પૂછ્યુ કે પોલીસ આ મામવામાં આ કલમ કેમ લગાવે છે? ન્યાયાધીશે પોલીસ ઓફિસરો માટે એક વર્કશોપ આયોજીત કરવાનો નિર્દેશ આપ્યો, જેમાં જણાવવામાં આવે કે કઈ કલમ લગાવવામાં આવે. હાઈકોર્ટના આદેશ બાદ કંગનાએ ટ્વિટર દ્વારા જસ્ટિસ શિંદેનો આભાર વ્યક્ત કર્યો છે. 

(5:14 pm IST)