Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

સ્કેમ-૧૯૯૨ માં હર્ષદ મહેતાના આઇકોનિક રોલ માટે પહેલા વરૃણ ધવનની પસંદગી કરાઇ હતી ત્યારબાદ પ્રતિક મહેતાનું નામ ફાઇનલ થયુ

મુંબઈ: હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ સોની લિવ પર રિલીઝ થયેલી વેબ સિરીઝ સ્કેમ 1992 એકમાત્ર એવી વેબ સિરીઝ છે જેને લોકોએ ફક્ત અને ફક્ત પ્રેમ આપ્યો છે. પ્રેમ પણ એવો કે IMDB પર 10માંથી 9.6 રેટિંગ મળ્યા છે. જો કે હાલ સોશિયલ મીડિયા પર એક એવી ખબર ઉડી કે સ્કેમ 1992માં હર્ષદ મહેતાની ભૂમિકા માટે પ્રતિક ગાંધીની જગ્યાએ વરુણ ધવન પહેલી પસંદ હતો. 

વાત જાણે એમ છે કે એક પોર્ટલ પર છપાયેલા આર્ટિકલને આધાર બનાવીને તૌહીદ નામના એક વ્યક્તિએ ટ્વીટ કરી કે 'શું તમે જાણો છો? સ્કેમ 1992માં હર્ષદ મહેતાના આઈકોનિક રોલ માટે વરુણ ધવન પહેલી પસંદ હતો. બાદમાં ડાઈરેક્ટર હંસલ મહેતાએ પ્રતિક મહેતાનું નામ સૂચવ્યું. ત્યારબાદ જે પણ થયું તે ઈતિહાસ છે.'

આ અંગે હવે અભિનેતા વરુણ ધવને પોતે જ સ્પષ્ટતા કરી છે. વરુણે ટ્વીટ કરીને કહ્યું કે આ વાતમાં કોઈ જ સચ્ચાઈ નથી. વરુણે લખ્યું કે વાસ્તવમાં તેમા કોઈ સચ્ચાઈ નથી. હું માનું છું કે આ શો માટે એકમાત્ર પસંદ પ્રતિક ગાંધી જ હોઈ શકે છે. તે ખરેખર બ્રિલિયન્ટ છે. સ્કેમ 1992નો હું મોટો ફેન છું.

અત્રે જણાવવાનું કે સ્કેમ 1992 વેબ સિરીઝ 1992ના સૌથી મોટા શેર માર્કેટ કૌભાંડ પર આધારિત છે. આ  કૌભાંડના મુખ્ય આરોપી હર્ષદ મહેતાની ભૂમિકા પ્રતિક ગાંધીએ ભજવી છે. સિરીઝ એકદમ સુપરહીટ સાબિત થઈ છે. વરુણ ધવનની વાત કરીએ તો હાલ તે પોતાની આવનારી ફિલ્મ કુલી નંબર-1ને સફળ બનાવવાની તૈયારીઓ કરી રહ્યો છે. 

(5:14 pm IST)